વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 માર્ચના રોજ કર્ણાટકના પ્રવાસે છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. 10 લેન અને 118 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે, લગભગ 8,480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તે બેંગલુરુ અને મૈસુર વચ્ચે મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઘટાડીને લગભગ 75 મિનિટ કરશે. પીએમ મોદી કર્ણાટકમાં લગભગ 16,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
અગાઉ, પીએમ મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે એક મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે. આ કર્ણાટકના વિકાસના માર્ગને એક નવો આયામ આપશે. તે પ્રદેશમાં સામાજિક-આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. મોદીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીની ટ્વીટને ટેગ કરીને કહ્યું કે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે NH-275નો એક ભાગ છે. આ અંતર્ગત ચાર રેલ ઓવરબ્રિજ, નવ મોટા અને 40 નાના પુલ અને 89 અંડરપાસ અને ઓવરપાસ બનાવવામાં આવ્યા છે.
તેનો હેતુ શ્રીરંગપટના, કુર્ગ, ઉટી અને કેરળ જેવા વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો છે, જેનાથી આ વિસ્તારોની પ્રવાસન ક્ષમતામાં વધારો થશે. વડાપ્રધાન, પ્રવાસીઓને અનુકૂળ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે પુનઃવિકાસિત હોસાપેટે જંકશન પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેને હમ્પીના સ્મારકોની માફક ડિઝાઇન કરવામાં આવી છે.
કર્ણાટક પ્રવાસ દરમિયાન PM મોદી બપોરે 12 વાગ્યે માંડ્યામાં મોટા રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3:15 વાગ્યે હુબલી-ધારવાડમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મોદી મૈસુર-ખુશાલનગર ફોર લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરશે. લગભગ 4,130 કરોડ રૂપિયાના ખર્ચે આ 92 કિલોમીટરનો પ્રોજેક્ટ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ કુશલનગરની બેંગલુરુ સાથેની કનેક્ટિવિટી વધારશે અને મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટાડીને માત્ર 2.5 કલાક કરશે. PM IIT ધારવાડને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદી દ્વારા ફેબ્રુઆરી 2019માં 850 કરોડના ખર્ચે આ સંસ્થાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.