વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે 9 સપ્ટેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાંચ દેશોના બનેલ બ્રિક્સ ( Brazil, Russia, India, China and South Africa) જૂથની વાર્ષિક બેઠકની (BRICS summit) અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપતા જણાવ્યુ છે કે, આ બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપસ્થિત રહેશે.
વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા પછીની સ્થિતિ અનેઅફઘાનિસ્તાનમાંથી ઉદ્ભવતા આતંકવાદી ખતરાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. બ્રિક્સ સમિટના વિકાસથી પરિચિત સૂત્રોએ જણાવ્યું હતું કે નેતાઓ અફઘાનિસ્તાન સહિતના મહત્વના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, જેના પર બ્રિકસના નેતાઓ આતંકવાદ સામે લડવાની પ્રાથમિકતાને પ્રાધાન્ય આપે તેવી શક્યતા છે. આમાં આતંકવાદી સંગઠનો દ્વારા અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અટકાવવાનો પણ સમાવેશ થાય છે, જેથી ભવિષ્યમાં અન્ય દેશો પરના સંભવિત આતંકી હુમલાઓને ટાળી શકાય.
પીએમ મોદી બીજી વખત બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરશે
આ બીજી વખત છે કે જ્યારે પીએમ મોદી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) સમિટની અધ્યક્ષતા કરશે. અગાઉ તેમણે 2016 માં ગોવા સમિટની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષે, ભારત એવા સમયે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે જ્યારે બ્રિક્સ 15માં સ્થાપના વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. 13 મી બ્રિક્સ સમિટ વર્ચ્યુઅલ રીતે ભારતની અધ્યક્ષતામાં યોજાશે અને તેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
ભારતમાંથી આ લોકો સાથે જોડાવાની આશા છે
પીએમઓના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ન્યુ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના કામચલાઉ પ્રમુખ ઓંકાર કંવર અને બ્રિક્સ મહિલા બિઝનેસ એલાયન્સના કામચલાઉ પ્રમુખ ડો.સંગીતા રેડ્ડી પણ સમિટમાં હાજર હતા. તેઓ વર્ષ દરમિયાન થયેલા કામની વિગતો રજૂ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે
ભારતે પોતાની અધ્યક્ષતામા બ્રિક્સ બેઠકમાં ચર્ચવા માટે ચાર મુદ્દાઓની પ્રાથમિકતા નક્કી કરી છે. જેમાં આતંકવાદનો વિરોધ, ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ, લોકો વચ્ચે આદાન પ્રદાનમાં વધારો કરવાનો પ્રયત્ન સહીતના મુદ્દાઓનો સમાવેશ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ વિષય ઉપરાંત, બ્રિકસના નેતાઓ કોરોના વાયરસ રોગચાળાની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક તેમજ પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોની આપલે કરાશે. રશિયાએ અગાઉ છેલ્લી બ્રિક્સ બેઠકનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચોઃ Shocking : તારક મહેતા ફેમ બબિતા 9 વર્ષ નાના અભિનેતાને કરી રહી છે ડેટ, નામ જાણીને તમે પણ ચોંકી જશો