Breaking News : 140 કરોડ ભારતીયોને PM મોદીની મોટી ભેટ, ‘સેવા તીર્થ સંકુલ’ ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને શું કહ્યું વાંચો

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું, જેને "નવા ભારત"ની યાત્રાની શરૂઆત ગણાવી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇમારતો ગુલામીના પ્રતીકો છોડીને નવી દિશા દર્શાવે છે.

Breaking News : 140 કરોડ ભારતીયોને PM મોદીની મોટી ભેટ, સેવા તીર્થ સંકુલ ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને શું કહ્યું વાંચો
| Updated on: Feb 13, 2026 | 6:51 PM

દિલ્હીમાં સેવા તીર્થ તથા કર્તવ્ય ભવન 1 અને 2ના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું કે આજે આપણે નવા ઇતિહાસનું સર્જન થતું જોઈ રહ્યા છીએ. તેમણે આ પ્રસંગને ભારતની નવી યાત્રાની શરૂઆત તરીકે વર્ણવી, જ્યાં દેશ ગુલામીના પ્રતીક ગણાતી જૂની ઇમારતોને પાછળ છોડીને આગળ વધી રહ્યો છે.

દિલ્હીમાં ઉદ્ઘાટન થયેલા સેવા તીર્થ સંકુલમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય સ્થિત છે. જ્યારે કર્તવ્ય ભવન 1 અને 2માં નાણાં, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોર્પોરેટ બાબતો, શિક્ષણ, સંસ્કૃતિ, કાયદો અને ન્યાય, માહિતી અને પ્રસારણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રસાયણો અને ખાતરો તેમજ આદિજાતિ બાબતો સહિતના અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો કાર્યરત રહેશે.

ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “આજે આપણે નવો ઇતિહાસ રચાતા જોઈ રહ્યા છીએ. જૂની ઇમારતો ગુલામીના પ્રતીકો હતી, જ્યારે આજથી ભારતની નવી યાત્રાની શરૂઆત થઈ છે.” તેમણે ઉમેર્યું કે સેવા તીર્થ કાર્યાલય જમીન સાથે જોડાયેલું અને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે જૂની ઇમારતોમાં નવી ટેકનોલોજી સમાવવા શક્ય નહોતું. નવી બનેલી આ ઇમારતો આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને લાંબા ગાળે સરકારી ખર્ચમાં ઘટાડો લાવવામાં પણ મદદરૂપ બનશે.

સેવાતીર્થમાં સ્થળાંતર થયા બાદ સાંજે કરેલા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે સાઉથ બ્લોક અને નોર્થ બ્લોકમાંથી દેશ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યાંથી નીતિઓ ઘડાઈ અને દેશના શાસન માટે મહત્વની દિશાઓ નક્કી કરવામાં આવી હતી. જોકે, આ બન્ને ઇમારતો બ્રિટીશ સામ્રાજ્યના સમયગાળાની હતી અને તે ગુલામીની માનસિકતાની યાદ અપાવતી હતી.

વડાપ્રધાને જણાવ્યું કે સેવાતીર્થ અને કર્તવ્ય ભવન ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે બનાવવામાં આવ્યા છે. અહીંથી લેવામાં આવનારા નિર્ણયો 140 કરોડ ભારતીયોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાના હેતુથી લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ભવનો દેશના નાગરિકોને સમર્પિત છે અને તે ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે.

વિકસિત ભારતની કલ્પના માત્ર નીતિઓ અને યોજનાઓ પૂરતી સીમિત ન હોવી જોઈએ, પરંતુ કાર્યસ્થળો પણ પ્રભાવી, આધુનિક અને પ્રેરણાદાયી હોવા જરૂરી છે, તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું. નવી ઇમારતો કાર્યક્ષમ શાસન અને સશક્ત નિર્ણય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે હાલ સરકારી કચેરીઓના ભાડા પાછળ દર વર્ષે અંદાજે 1.5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. તે ઉપરાંત, સરકારી કર્મચારીઓને એક કચેરીથી બીજી કચેરી સુધી જવા માટે પણ સમય અને ખર્ચ બન્ને બરબાદ થાય છે. નવી વ્યવસ્થા શરૂ થતાં હવે સમય અને ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે.

જૂના ભવનોમાં વિતાવેલા વર્ષોની યાદો અને ત્યાં લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો હંમેશા સ્મૃતિમાં રહેશે, તેમ તેમણે જણાવ્યું. અનેક સુધારાઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો જે સ્થળે લેવાયા છે, તે પરિસર ભારતના ઇતિહાસનો અમૂલ્ય ભાગ છે. આ ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા માટે ત્યાં સમર્પિત મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 6:47 pm, Fri, 13 February 26