
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કોંગ્રેસ પર કડક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે પીએમ પદને એક ખાસ પરિવારનું પૈતૃક અધિકાર સમજીને જે રાજકારણ થાય છે, તે દેશના લોકતંત્ર માટે જોખમી છે. વિકાસ અને શાંતિના કામો થતા જોઈને કેટલાક લોકોને અશાંતિ થાય છે અને એ કારણે “મોદીની કબર ખોદવાની” ભાષા વાપરવામાં આવે છે.
વડાપ્રધાને જણાવ્યું કે નોર્થ ઈસ્ટમાં બોમ્બ અને બંદૂકની જગ્યાએ શાંતિ અને વિકાસ પહોંચાડવામાં આવ્યા છે. પાકિસ્તાન સામે આતંકવાદને જવાબ આપવા માટે દેશની સુરક્ષા દ્રષ્ટિએ કડક પગલાં લેવામાં આવ્યા, ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો. માવવાદથી દેશને મુક્ત કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે, તે પણ કેટલાક લોકોને અસ્વસ્થ કરે છે. સિંધુ જળ સંધિ અંગે ભારતના હિતમાં નિર્ણય લેવાયો, ત્યારે પણ સરકાર સામે ભાષા વાપરવામાં આવી.
મોદીએ કહ્યું કે કોંગ્રેસને સૌથી વધુ પીડા એ વાતની છે કે સામાન્ય પરિવારનો વ્યક્તિ વડાપ્રધાન બન્યો અને સતત જનવિશ્વાસ સાથે પદ પર ટકી રહ્યો. પીએમ પદ કોઈ પરિવારની મિલકત નથી, પરંતુ દેશની જનતાનો વિશ્વાસ છે. છતાં કેટલાક લોકો તેને પોતાની વારસાગત સંપત્તિ સમજીને વર્તે છે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના એક નેતા દ્વારા ‘ગદ્દાર’ શબ્દના ઉપયોગ પર પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ શબ્દપ્રયોગ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર શીખ સમુદાયનું અપમાન છે. જે સમુદાયે દેશ માટે બલિદાન આપ્યા છે, તેમની સામે આવી ભાષા વાપરવી યોગ્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂપેન હજારીકાને ભારત રત્ન આપવાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જે અસમના લોકો ક્યારેય ભૂલશે નહીં. અહંકાર અને વિભાજનની રાજનીતિ કોંગ્રેસને અંદરથી નબળી બનાવી રહી છે. દેશના નાગરિકોને ગદ્દાર કહેવાની માનસિકતા અંતે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થશે.