
PM મોદી એ લખનઉમાં દિક્ષાંત સમારોહ દરમિયાન સોનાની ખરીદી અંગે તેમણે આપેલી જૂની સલાહનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે એક વર્ષ પહેલા તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે જો બહુ જરૂરી ન હોય તો સોનુ ન ખરીદો. એ સમયે કેટલાક લોકોએ તેમની વાતની મજાક ઉડાવી પરંતુ આજે લોકો તેમને કહી રહ્યા છે કે તેમની સલાહ માનવાથી તેમના પૈસા બચી ગયા. PM મોદી એ કહ્યુ કે દેશવાસીઓએ તેમની સલાહ માની અને સોનાની ખરીદી ઓછી કરી. વડાપ્રધાને તેમની આ અપીલની તુલના પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની અપીલ સાથે કરી. PM મોદી એ કહ્યુ શાસ્ત્રીજીએ દેશવાસીઓને એક સમયનું ભોજન છોડવાની અપીલ કરી હતી. દેશવાસીઓએ તેમની સલાહ માની હતી. તેમણે કહ્યુ કે દેશવાસીઓએ તેમની સોનુ નહીં ખરીદવાની અપીલ પર વિશ્વાસ મુક્યો.
આ તકે યુવાનોને સંબોધિત કરતા PM મોદી એ કહ્યુ કે દેશનું ભવિષ્ય માત્ર ડિગ્રીથી નહીં પરંતુ કૌશલથી બનશે. તેમણે કહ્યુ કે દેશ લાંબા સમય સુધી ગુલામીની માનસિક્તામાંથી બહાર નથી નીકળી શક્તો. આ જ કારણથી નોકરીઓમાં ડિગ્રી અને સર્ટિફિકેટ ને વધુ મહત્વ આપવામાં આવ્યુ અને સ્કિલ ક્યાંય પાછળ છૂટી ગયુ. પીએમ મોદીએ કહ્યુ હવે સમય બદલાઈ રહ્યો છે. આવનારા સમયમાં હુનરવાળા લોકોની માગ વધશે. દુનિયાના અનેક દેશો ભારતથી કુશળ કારીગરોને બોલાવે છે. તેમને માત્ર યુનિવર્સિટીમાં ભણેલા યુવાનો નહીં પરંતુ ITI થી પ્રશિક્ષિત લોકો પણ જોઈએ છે.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરબ, દુબઈ, અબૂધાબી અને કતરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે આ દેશોને આધુનિક શહેર બનાવવામાં ભારતીય કારીગરોનું મોટુ યોગદાન છે. ત્યાંની રોયલ ફેમિલી પણ ભારતીય કારીગરોના હુનર અને મહેનતની પ્રશંસા કરે છે. તેમણે કહ્યુ કે આવનારા 20 વર્ષ ભારત માટે ઘણા મહત્વના છે. વિકસીત ભારતનું સપનું કૌશલ્ય અને હુનરને સન્માનિત કરવાથી જ શક્ય બનશે. સરકારે આ જ વિચાર સાથે આગળ વતા કૌશલ વિકાસ મંત્રાલય બનાવ્યુ છે. નવી શિક્ષણ નીતિમાં પણ કૌશલ્ય વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલા કોલેજ અને યુનિવર્સિટીમાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓના જ દિક્ષાંત સમારોહ થતા હતા પરંતુ તેમણે નક્કી કર્યુ કે ITI ના વિદ્યાર્થીઓ પણ આ જ સન્માન સાથે દિક્ષાંત સમારોહમાં સામેલ કરવામાં આવશે.
Published On - 9:07 pm, Sat, 21 November 26