
કેન્દ્ર સરકારે 21 જૂને યોજાનારી NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા મેસેજિંગ એપ ટેલિગ્રામને અસ્થાયી રૂપે બ્લોક કરી દીધી છે. આ પ્રતિબંધ 22 જૂન સુધી અમલમાં રહેશે. જ્યારે તેની મેસેજ એડિટિંગ સુવિધા 30 જૂન સુધી અવરોધિત રહેશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્પષ્ટતા કરી હતી કે આ પગલું છેતરપિંડી કરતી ગેંગ અને નકલી માહિતીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યું છે. એનટીએના મહાનિર્દેશક અભિષેક સિંહે કહ્યું કે ટેલિગ્રામ પર 22 જૂન સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી 21 જૂને યોજાનારી પુનઃ પરીક્ષા કોઈપણ અનિયમિતતા વગર યોજી શકાય. અમે કોઈપણ ગેરરીતિને મંજૂરી આપીશું નહીં અને પરીક્ષાની અખંડિતતા જાળવવા માટે દરેક શક્ય પગલાં લઈશું.
NTAની ભલામણ પર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે IT Act 2000ની કલમ 69A હેઠળ આદેશ જારી કર્યો છે. જેમાં 22 જૂન 2026 સુધી ટેલિગ્રામની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન NEET-UG 2026ની પુનઃપરીક્ષા યોજાશે. સાથે જ 30 જૂન સુધી ટેલિગ્રામ પર મેસેજ એડિટિંગ સુવિધા પણ બંધ રહેશે. NTAએ જણાવ્યું કે ટેલિગ્રામની મેસેજ એડિટિંગ સુવિધાનો દુરુપયોગ કરીને ચેનલ ઓપરેટર્સ પરીક્ષા પછી જૂના મેસેજ બદલીને ખોટા પ્રશ્નપત્રો ફેલાવતા હતા અને સ્ક્રીનશોટ વાયરલ કરીને દાવો કરતા હતા કે પેપર લીક થયું હતું.
India’s IT ministry banned Telegram for one week because some users shared leaked exam questions.
This punishes 150M+ ordinary Telegram users in India — not the insiders who leaked the exam materials.
And the ban hasn’t stopped anything. The leaks just moved to other apps. https://t.co/CzQWN4mXfb
— Pavel Durov (@durov) June 16, 2026
જ્યારે NTA પ્રમુખને પૂછવામાં આવ્યું કે શું આ કાર્યવાહી કોઈ પેપર લીક સમાચારના આધારે કરવામાં આવી છે, તો તેવમે સ્પષ્ટતા કરી કે ના, આ બધા ફેક મેસેજો હતા. અમદાવાદ પોલીસે પણ આવો જ એક કેસ ઉકેલ્યો હતો. તેમણે કહ્યું કે આ નકલી સંદેશાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ અને માનસિક તણાવ વધારી રહ્યા છે. તેથી આ પગલું જરૂરી બન્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાની સુરક્ષાને લઈને દરરોજ અનેક બેઠકો યોજવામાં આવે છે.
નોંધનીય છે કે 3 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષા ગેરરીતિના આરોપોને કારણે રદ કરવામાં આવી હતી. હવે તે પાછી 21 જૂને થશે. NTA એ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ત્વરિત પગલાં સલામત અને ન્યાયી પરીક્ષાની ખાતરી કરશે.