Breaking News : લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પસાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતાનો નવો યુગ, જુઓ Video

લોકસભામાં ભારે હંગામા વચ્ચે જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા બિલ, 2026 પસાર થયું છે. આ કડક કાયદો પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ પર અંકુશ લાવશે.

Breaking News : લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પસાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતાનો નવો યુગ, જુઓ Video
| Updated on: Jul 29, 2026 | 4:32 PM

દેશમાં જાહેર પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીક કૌભાંડો અને ગેરરીતિઓના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાતો હતો. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ભારે હંગામા અને વિસ્તૃત ચર્ચાઓ વચ્ચે લોકસભામાં “ધ પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) અમેન્ડમેન્ટ બિલ, 2026” સફળતાપૂર્વક પસાર કરવામાં આવ્યું છે.

આ બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક, નકલ માફિયા અને સંગઠિત પરીક્ષા કૌભાંડો પર કડક નિયંત્રણ લાવવાનો છે. સરકારનું કહેવું છે કે આ કાયદો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવશે અને ભરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા વધારશે.

આ બિલમાં કેટલીક કડક અને મહત્વપૂર્ણ જોગવાઈઓ શામેલ કરવામાં આવી છે, જે ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે. બિલ હેઠળ, પરીક્ષા ગેરરીતિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ અથવા સંગઠનોને 10 કરોડ રૂપિયા સુધીનો ભારે દંડ થઈ શકે છે. આ ઉપરાંત, આવા ગુનાઓમાં દોષિત ઠરનારાઓને ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ દંડ અને સજાની જોગવાઈઓનો હેતુ ગેરરીતિ કરનારાઓમાં કાયદાનો ડર પેદા કરવાનો છે.

આ નવા કાયદામાં તપાસ અને કાર્યવાહીને વધુ ઝડપી બનાવવા માટે વિશેષ પ્રાવધાનો પણ કરવામાં આવ્યા છે. બિલમાં બે નવી કલમો 12A અને 12B ઉમેરવામાં આવી છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ પરીક્ષા ગેરરીતિઓ સંબંધિત કેસોની તપાસ કરશે અને તેમની પર નજર રાખશે. તપાસ એજન્સીઓ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને આવા કેસોમાં તપાસ બે મહિનાની અંદર પૂરી કરવી પડશે.

ન્યાયિક પ્રક્રિયાને વેગ આપવા માટે પણ મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આવા કેસોમાં દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની નિયુક્તિ કરશે. ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ (કેસની સુનાવણી) પૂર્ણ કરવી ફરજિયાત રહેશે, જેથી દોષિતોને ઝડપથી સજા મળે અને ન્યાયમાં વિલંબ ન થાય.

આ કાયદો દેશના કરોડો વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં એક મોટું પગલું છે. પેપર લીક અને અન્ય ગેરરીતિઓથી થતા અન્યાયનો ભોગ બનતા વિદ્યાર્થીઓને હવે ન્યાય મળવાની આશા બંધાઈ છે. આ બિલનો અમલ ભવિષ્યમાં ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા વધારશે, જેનાથી લાયક ઉમેદવારોને યોગ્ય તક મળશે અને દેશના શૈક્ષણિક માળખામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થશે. આ નવો કાયદો એક સુદ્રઢ અને ભ્રષ્ટાચાર મુક્ત પરીક્ષા પ્રણાલી સ્થાપિત કરવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.

દેશના નવા શિક્ષણ મંત્રી પાસે કઈ ડિગ્રી છે અને પરિવારમાં કોણ કોણ છે? જાણો

Follow Us