
પ્રજાસત્તાક દિવસ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેને પગલે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સરહદ (IB) અને નિયંત્રણ રેખા (LoC) નજીક અલગ-અલગ વિસ્તારોમાં કુલ પાંચથી વધુ ડ્રોન જોવા મળ્યા હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે.
પૂંછ, નૌશેરા, ધર્મશાલા, રામગઢ અને પારખ વિસ્તારોમાંથી ડ્રોન દેખાવાની માહિતી મળી છે. રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ ભારતીય સેનાએ તાત્કાલિક મશીનગનથી ગોળીબાર કરીને જવાબ આપ્યો હતો.
ડ્રોન પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સેના, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્કતામાં છે અને કોઈપણ ઘૂસણખોરી કે આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની દળો તૈનાત કરવામાં આવી છે.
A few Pakistan Army drones were sighted along the line of control in the Naushera-Rajouri sector of Jammu and Kashmir. The Indian Army troops undertook counter-unmanned aerial systems measures, forcing them to return: Defence Sources pic.twitter.com/yxsrOygfCD
— ANI (@ANI) January 11, 2026
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોવા મળેલા તમામ ડ્રોન પાકિસ્તાન તરફથી આવ્યા હતા અને થોડા સમય માટે ભારતીય હવાઇ વિસ્તારમાં ફર્યા બાદ પાછા વળી ગયા હતા. રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સાંજે લગભગ 6:35 વાગ્યે ગણિયા-કલસિયન ગામ નજીક ડ્રોન ગતિવિધિ જોવા મળતા સેનાએ ગોળીબાર કર્યો હતો. તે જ સમયે તેરિયાથના ખબ્બર ગામમાં પણ ડ્રોન જોવા મળ્યું હતું. ઉપરાંત, સાંજે લગભગ 7:15 વાગ્યે સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ચક બાબરલ ગામ પર લગભગ બે મિનિટ સુધી ડ્રોન જેવી વસ્તુ હવામાં ફરતી જોવા મળી હતી. પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં પણ સાંજે 6:25 વાગ્યે ડ્રોન જોવા મળ્યું હતું.
આ દરમિયાન, અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક એક શંકાસ્પદ કબૂતર પકડવામાં આવ્યું છે. કરાહ ગામના આર્યન નામના યુવકે આ કબૂતર પકડ્યું હતું. કબૂતરના ડાબા પગમાં લાલ રંગની વીંટી હતી, જેમાં ‘રહેમત સરકાર’ અને એક નંબર લખેલો હતો, જ્યારે જમણા પગમાં પીળી વીંટી પર ‘રિઝવાન 2025’ લખેલું હતું. કબૂતરની પાંખ પર ‘નૌશેરા ઈલિંગ પીજન ક્લબ’ લખેલું હતું, જે પાકિસ્તાનના નૌશેરા શહેર સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. માહિતી મળતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને કબૂતરને કબજે કરીને તપાસ શરૂ કરી.
ઉપરાંત, શુક્રવારે રાત્રે સુરક્ષા દળોએ સાંબા જિલ્લાના ઘગવાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાલોરા ગામમાંથી હથિયારોનો જથ્થો જપ્ત કર્યો હતો. આ હથિયારો પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. જપ્ત કરાયેલા સામાનમાં બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 રાઉન્ડ અને એક ગ્રેનેડનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ હથિયારો આતંકવાદીઓ અથવા તેમના સહયોગીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી મોકલવામાં આવ્યા હતા.
મસૂદ અઝહરની ખુલ્લી ધમકી બાદ ભારત એલર્ટ પર, જાણો શું કહ્યું..
Published On - 1:15 am, Mon, 12 January 26