Pahalgam Terror Attack: અમદાવાદી પરિવારના કેમેરામાં કેદ થયા આતંકી હુમલાના ચોંકાવનારા લાઈવ દ્રશ્યો, જુઓ Video

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના રુષીભાઈનો વીડિયો સામે આવ્યો છે જેમાં ગોળીબારની ઘટના કેદ થઈ છે.

Pahalgam Terror Attack: અમદાવાદી પરિવારના કેમેરામાં કેદ થયા આતંકી હુમલાના ચોંકાવનારા લાઈવ દ્રશ્યો, જુઓ Video
| Updated on: Apr 28, 2025 | 6:19 PM

ભારત માટે 22 એપ્રિલનો દિવસ ગમગીન બની ગયો હતો, જ્યારે કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરીને નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ઘેરો શોક અને રોષ જોવા મળ્યો છે. વડાપ્રધાને પણ આ ઘટનાની ભારે નિંદા કરી છે અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

આ ઘટનાનો જીવંત દ્રશ્ય હવે સામે આવ્યું છે, જે અમદાવાદના રુષીભાઈના કેમેરામાં કેદ થયો છે. રુષીભાઈ તેમના પરિવાર સાથે બૈસરન ખીણ વિસ્તારમાં ઝિપ લાઇનિંગનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે આ ફાયરિંગની ઘટના બની.

વીડિયોમાં શું જોવા મળે છે?

વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રુષીભાઈ ઝિપ લાઇનિંગ કરતાં આનંદ અનુભવી રહ્યા છે. પરંતુ થોડી ક્ષણોમાં જ અચાનક ગોળીબાર શરૂ થાય છે અને લોકોમાં અફરાતફરી મચી જાય છે. સાથે સાથે ગોળીઓના સ્પષ્ટ અવાજો પણ વીડિયો માં સાંભળાઈ શકે છે.

રુષીભાઈએ જણાવ્યું કે, ગોળીબાર શરૂ થતાં જ તેમનો આખો પરિવાર નજીકની ખાઈમાં છૂપાઈ ગયો હતો. તેઓએ જણાવ્યું કે આતંકીઓ નજીક આવેલા દરેક પર્યટકનો ધર્મ પૂછતા હતા અને હિન્દુ હોવાનો પુષ્ટિ થતાં તરત જ ગોળી મારી દેતા હતા. હુમલાખોરો તેમની નજીકના 30 ફૂટના અંતરે આવ્યા હતાં.

ભારતીય સેનાની કાર્યવાહી

ફાયરિંગ પછી થોડી શાંતિ છવાઈ હતી, જેનો લાભ લઇને રુષીભાઈએ પોતાના પરિવારને ધીમે ધીમે સલામત સ્થાન તરફ ખસેડવાનું શરૂ કર્યું. થોડી જ ક્ષણોમાં ભારતીય સેના ઘટના સ્થળે પહોંચી ગઈ અને તેઓએ સમગ્ર પરિવારનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે અમદાવાદ પરત લાવવામાં આવ્યા.

આતંકી હુમલામાં આતંકીઓ સેનાના કપડાં પહેરીને આવ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે ભ્રમ અને ભય ફેલાયો હતો. આતંકીઓના વેશથી લોકો ઉંમટાયા હતા અને તેમને સાચા જવાનો સમજી લઈ વિશ્વાસ કર્યો હતો. જોકે, જ્યારે પછી ખરેખર સેનાના સાચા જવાનો ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે લોકોએ તુરંત વિશ્વાસ કર્યો નહીં. પબ્લિકને સમજાવવામાં અને સ્થિરતા સ્થાપવામાં સેનાને ઘણો સમય લાગ્યો. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે આતંકીઓ હજી પણ નવી-નવી રીતો અપનાવી રાષ્ટ્રની સુરક્ષાને પડકાર આપી રહ્યા છે અને સામાન્ય નાગરિકોની માનસિકતા ઉપર પણ પ્રભાવ પાડવા પ્રયત્નશીલ છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.