‘ઓપરેશન સિંદૂર’ના નામની રંગોળી ભારે પડી, થયો વિવાદ અને 27 RSS કાર્યકરો સામે થશે ‘કાયદેસર કાર્યવાહી’

'ઓપરેશન સિંદૂર' નામની રંગોળીથી ગંભીર વિવાદ સર્જાયો છે. આ મામલે પોલીસે 27 RSS કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણો આખરે શું છે આ સમગ્ર મામલો...

ઓપરેશન સિંદૂરના નામની રંગોળી ભારે પડી, થયો વિવાદ અને 27 RSS કાર્યકરો સામે થશે કાયદેસર કાર્યવાહી
| Updated on: Sep 07, 2025 | 7:02 PM

કેરળના મુથુપ્પીલકડમાં પાર્થસારથી મંદિરમાં ઓપરેશન સિંદૂર સાથે રંગોળી બનાવવા પર વિવાદ થયો છે. આ કેસમાં 27 RSS કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઓણમના તહેવારો દરમિયાન કોલ્લમ જિલ્લામાં એક મંદિરમાં ફૂલોની રંગોળી બનાવવા બદલ 27 RSS કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

મંદિર સમિતિએ કેરળ હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યાનું કહ્યું અને તે પછી આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, ભાજપે પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી અને દાવો કર્યો હતો કે, મુથુપ્પીલકડના પાર્થસારથી મંદિરમાં બનાવેલી રંગોળી ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં હતી.

કઈ કઈ કલમ લાગી?

મંદિર સમિતિના અધિકારી અશોકન સી. દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 223 (જાહેર સેવકો દ્વારા કાયદેસર રીતે જાહેર કરાયેલા આદેશોનું ઉલ્લંઘન), 192 (હુલ્લડો કરવાના ઈરાદાથી જાણી જોઈને ઉશ્કેરણી) અને 3(5) (ઘણા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.

FIR મુજબ, આરોપીઓએ મંદિરના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ઝંડાને લઈને ફૂલોની રંગોળી બનાવી હતી. સમિતિની મંજૂરી વગર મંદિરમાં ફ્લેક્સ બોર્ડ અને અન્ય સજાવટ કરવી હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન હતું. મંદિરથી 50 મીટર દૂર છત્રપતિ શિવાજીનું ‘ફ્લેક્સ બોર્ડ’ પણ લગાવવામાં આવ્યું હતું. આ કૃત્યનો હેતુ રાજકીય જૂથો વચ્ચે હિંસા ભડકાવવાનો હતો.

પહેલા પણ થયેલું છે ઘર્ષણ

મંદિર સમિતિના સભ્ય મોહનનએ પીટીઆઈને જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન મંદિરની નજીક ઝંડો લગાવવાને લઈને ભૂતકાળમાં ઘણી વખત ઘર્ષણ થયું છે. તેમણે કહ્યું, ‘ઘર્ષણ ટાળવા માટે અમે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેણે વર્ષ 2023 માં મંદિર પરિસરની નજીક ઝંડા સહિત કોઈપણ સુશોભન વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.’

જો કે, તેમ છતાંય RSS ના સ્વયંસેવકોએ મંદિર સમિતિની ફૂલોની ડિઝાઇનની બાજુમાં તેમના ઝંડા સાથે ફૂલોની રંગોળી બનાવી અને ફૂલોથી ‘ઓપરેશન સિંદૂર’ લખ્યું. એક નિવેદનમાં ભાજપે પોલીસ પર નિશાન સાધ્યું અને આ કેસને “આઘાતજનક” ગણાવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે પ્રશ્ન કર્યો કે, કેરળમાં જમાત-એ-ઇસ્લામીનું શાસન છે કે પાકિસ્તાનનું?

દરેક સૈનિકનું ‘અપમાન’ છે: ચંદ્રશેખર

તેમણે કહ્યું કે, જો FIR તાત્કાલિક પાછી ખેંચવામાં નહીં આવે, તો પાર્ટી કોર્ટનો સંપર્ક કરશે. તેમણે એ પણ કહ્યું કે, ‘દેશમાં પહેલીવાર ફૂલોની રંગોળી બનાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ઓણમ મલયાલીઓનો તહેવાર છે.

‘ઓપરેશન સિંદૂર’ લખવા બદલ કાનૂની કાર્યવાહી કરીને સરકાર શું પ્રાપ્ત કરવા માંગે છે?’ ચંદ્રશેખરના મતે, ‘ઓપરેશન સિંદૂર’ સશસ્ત્ર દળોની શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે. કાનૂની કાર્યવાહી દ્વારા તેને નિશાન બનાવવું એ રાષ્ટ્રનું રક્ષણ કરતા દરેક સૈનિકનું ‘અપમાન’ છે.

મુસ્લિમ યુવતિએ હિન્દુ બની કર્યા લગ્ન, હવે પતિ પર મુસલમાન બનવા કરી રહી દબાણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો