
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક દેશ, એક ચૂંટણી માટે રચાયેલી સમિતિના સભ્યો સાથે પ્રથમ બેઠક ગઈકાલે યોજી હતી. આ બેઠકમાં, સમિતિએ રાજકીય પક્ષો અને કાયદા પંચને દેશમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજવા અંગે સૂચનો આપવા જણાવ્યું છે. મોટી વાત તો એ છે કે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ બેઠકમાં હાજરી આપી ના હતી. સમિતિની રચના બાદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહને લખેલા પત્રમાં સમિતિનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ, રાજ્યસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એન કે સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ કશ્યપ અને ભૂતપૂર્વ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન ઈલેક્શન પર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં સમિતિ દ્વારા સરકારને રિપોર્ટ સોંપવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જોકે, કમિટીએ તેની રચના બાદ તરત જ તેનું કામ શરૂ કરી દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિવિધ રાજકીય પક્ષો અને કાયદા પંચના સૂચનો લીધા બાદ સમિતિ જલદીથી સરકારને ભલામણ કરશે. આ સમિતિ એકસાથે ચૂંટણી યોજવાના હેતુથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને અન્ય કાયદાઓ અને નિયમોમાં સુધારાની જરૂરિયાતની પણ ભલામણ કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દેશ, એક ચૂંટણીની તરફેણ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે, જો દેશમાં એકસાથે ચૂંટણી થાય તો જનતાના પૈસાનો બગાડ અટકશે અને સંસાધનોની પણ બચત થશે.