
અત્યારના સમયમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. શહેરોમાં મોટાભાગના લોકો મોબાઇલથી જ રૂપિયા મોકલી રહ્યા છે, બિલ ભરી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે. જો કે, ગામડામાં રહેતા લોકો હજુ પણ ફીચર ફોન વાપરે છે અથવા તો ઇન્ટરનેટથી એટલા પરિચિત નથી.
એવામાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકે (IOB) તેમના માટે એક મોટું પગલું ભર્યું છે. વાત એમ છે કે, હવે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ વિના તમે એક મિસ્ડ કોલ અને વોઇસ કમાન્ડથી UPI પેમેન્ટ કરી શકો છો.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકે NPST અને MissCallPay ની સાથે મળીને RBI ના ‘UPI 123Pay’ ને અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે. આ ‘વોઇસ-બેઝ્ડ સિસ્ટમ ફીચર’ ફોન યુઝર્સને ઇન્ટરનેટ વિના ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા આપશે.
‘UPI 123Pay’ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની એક પહેલ છે, જેના દ્વારા ફીચર ફોન પર પણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. આ એક એવી સિસ્ટમ છે, જે ફીચર ફોન યુઝર્સને ડિજિટલ પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે.
આ માટે તમારો મોબાઇલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલ હોવો જરૂરી છે અને કોલ કરી શકાય તેવો ફીચર ફોન પણ હોવો આવશ્યક છે. આ પછી તમે ઇન્ટરનેટ કનેક્શન વિના રૂપિયા મોકલી શકો છો, મેળવી શકો છો અથવા તો બેલેન્સ ચેક કરી શકો છો.
આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરે છે. બીજું કે, Cyber Fraud નું જોખમ ઘટાડે છે. ખાસ વાત એ છે કે, આ 12 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે અને તેમાં બેલેન્સ ચેક, અગાઉના ટ્રાન્ઝેક્શન જોવા અને UPI PIN મેનેજ કરવાની સુવિધા પણ છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) હવે આ સિસ્ટમને તેના ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. બેંકે નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડ (NPST) સાથે ભાગીદારી કરી છે, જે તેને MissCallPay સાથે મળીને અમલમાં મૂકશે.
મળતી માહિતી મુજબ, ભારતમાં આશરે 850 મિલિયન લોકો હજુ પણ UPIનો ઉપયોગ કરતા નથી. આમાંથી આશરે 400 મિલિયન ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં, આ પગલું તેમના માટે ‘ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ’ સાથે જોડવાનો માર્ગ પણ ખોલશે.
NPSTના ચેરમેન દીપક ચંદ ઠાકુરે જણાવ્યું હતું કે, વૉઇસ બેઝ્ડ UPI એક એવું પગલું છે, જે ભારતના દરેક વર્ગના લોકોને ડિજિટલ ઈકોનોમી સાથે જોડશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં આ સિસ્ટમને Alexa અને Google Assistant જેવા પ્લેટફોર્મ સાથે પણ જોડવામાં અને પેમેન્ટને વધુ સરળ બનાવવામાં આવશે.
Published On - 6:21 pm, Wed, 12 November 25