
મોદી સરકારના કાર્યકાળમાં રસ્તાઓનું ઘણું કામ થયું છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં હાઈવે અને એક્સપ્રેસ વેનું નેટવર્ક બિછાવવાનું કામ કર્યું છે. હવે, ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખાડામુક્ત થઈ જશે.
નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે સરકાર આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત બનાવવાની નીતિ પર કામ કરી રહી છે. સરકાર બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT)પોલિસી હેઠળ રોડ બાંધકામને પ્રાથમિકતા આપી રહી છે.
સરકારે આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ખાડામુક્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કામગીરી આધારિત જાળવણી અને ટૂંકા ગાળાના જાળવણી માટેના કરારને પણ મજબૂત બનાવી રહ્યું છે. સામાન્ય રીતે, દેશમાં રસ્તાઓનું નિર્માણ BOT સિવાય એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) અને હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM)ના આધારે કરવામાં આવે છે.
નીતિન ગડકરીએ અહીં એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે EPC દ્વારા બનેલા રસ્તાઓની જાળવણીની જરૂરિયાત ઘણી વહેલી શરૂ થાય છે. જ્યારે બીઓટી દ્વારા રસ્તાઓ વધુ સારા બને છે કારણ કે કોન્ટ્રાક્ટર પણ જાણે છે કે તેણે આગામી 15-20 વર્ષ સુધી મેઈન્ટેનન્સનો ખર્ચ ઉઠાવવો પડશે. તેથી અમારી સરકારે બીઓટી દ્વારા મોટા પાયા પર રસ્તા બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ અવસરે નીતિન ગડકરીએ કહ્યું કે વરસાદના કારણે હાઈવેને નુકસાન થવાની અને ખાડાઓ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સેફ્ટી ઓડિટ કરી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો ખાડાઓથી મુક્ત રહે તે માટે નીતિ બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે યુવા એન્જિનિયરોને બોર્ડમાં લેવામાં આવી રહ્યા છે.
મંત્રાલયે અત્યાર સુધીમાં સમગ્ર 1,46,000 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને મેપ કર્યું છે. હવે સરકાર આ વર્ષના ડિસેમ્બર સુધીમાં આ રસ્તાઓ પરથી ખાડાઓ દૂર કરવાનું કામ કરવા જઈ રહી છે.