મુન્દ્રા ડ્રગ્સ કેસમાં NIAની મોટી કાર્યવાહી, કરોડોના ડ્રગ્સ મામલે દિલ્હી-NCRમાં 5 સ્થળોએ દરોડા પાડ્યા

|

Oct 12, 2021 | 10:38 PM

Mundra Port Drugs Case : NIA દ્વારા ડ્રગ્સ કેસની ઝડપી તપાસ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા બંદર પર લાવવામાં આવ્યું હતું.

DELHI : ગુજરાતના મુન્દ્રા પોર્ટમાંથી મળી આવેલા કરોડોના ડ્રગ્સના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​મોટી કાર્યવાહી કરી છે. NIA એ આ મામલે આજે રાજધાની દિલ્હી અને NCR માં પાંચ સ્થળો પર દરોડા પાડ્યા છે. 6 ઓક્ટોબરના રોજ, એનઆઈએએ મુન્દ્રા પોર્ટ પરથી 2,988 કિલો ડ્રગ્સ જપ્ત કરવાની તપાસ હાથ ધરી હતી.

ગૃહ મંત્રાલયના આદેશથી NIAની ટીમે મચાવરામ સુધાકરણ, દુર્ગા પીવી ગોવિંદારાજુ, રાજકુમાર પી અને અન્યો સામે IPC, NDPS એક્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમો હેઠળ નોંધાયેલા કેસની તપાસ શરૂ કરી છે. કેસ ફાઈલ થયા બાદ તેની ઝડપી તપાસ માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા બંદર પર લાવવામાં આવ્યું હતું.

13 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મુન્દ્રા બંદરે ટેલ્કમ પાવડરના નામે આયાત કરેલું 2988.21 કિલો હેરોઇન પકડી પાડ્યું હતું. તેની બજાર કિંમત 21000 કરોડ રૂપિયા છે. મુન્દ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. આ કેસ બાદ અદાણી ગ્રુપે કહ્યું હતું કે DRI સહિત માત્ર સરકારી સત્તાવાળાઓને જ ગેરકાયદે કાર્ગો ખોલવાની, તપાસ કરવાની અને જપ્ત કરવાની મંજૂરી છે, પોર્ટ ઓપરેટરોને નહીં.

Published On - 10:38 pm, Tue, 12 October 21

Next Video