
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મેળવી છે. NIA એ વિસ્ફોટમાં સંડોવાયેલા આતંકવાદીના વધુ એક મુખ્ય સાથીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ કાશ્મીરના રહેવાસી જાસીર બિલાલ વાની ઉર્ફે દાનિશ તરીકે થઈ રહી છે.
NIA ની એક ટીમે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી આરોપીની ધરપકડ કરી હતી. જાસીર ડ્રોનને વધારે પાવરફૂલ બનાવવા માટે તેમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ ઉપરાંત વિસ્ફોટ પહેલાં તે રોકેટ બનાવવાનો પ્રયાસ કરવા જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો.
NIA તપાસમાં ખુલાસો થયો છે કે, જાસીરે આતંકવાદી હુમલો કરવા માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, આ કાર બોમ્બ વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા અને 32 ઘાયલ થયા.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી આરોપી જાસીર બિલાલ અને ઉમર ઉન નબી બંનેએ સાથે મળીને આ આતંકવાદી હત્યાકાંડનું આયોજન કર્યું હતું. બોમ્બ વિસ્ફોટ પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે NIA હજુ પણ અલગ અલગ ખૂણાઓની તપાસ કરી રહી છે.
Continuing with its probe in the Red Fort area car bomb blast case, the National Investigation Agency (NIA) has arrested another key associate of the terrorist involved in the blast.
Jasir Bilal Wani alias Danish, also a Kashmir resident, was arrested from Srinagar in Jammu &…
— ANI (@ANI) November 17, 2025
એજન્સીની ઘણી ટીમો આતંકવાદી હુમલામાં જોડાયેલ દરેક વ્યક્તિની ઓળખ કરવા માટે વિવિધ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. એક દિવસ પહેલા રવિવારે, ‘NIA’ એ આમિર રાશિદ અલી નામના કાશ્મીરી વ્યક્તિની ધરપકડ કરી હતી, જેણે આતંકવાદી હુમલો કરવા માટે આત્મઘાતી બોમ્બર સાથે કાવતરું ઘડ્યું હતું.
કેન્દ્રીય તપાસ એજન્સીએ રાજધાની દિલ્હીથી આમિર રાશિદ અલીની ધરપકડ કરી હતી. NIA ની તપાસમાં બહાર આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના પમ્પોરના સાંબુરાના રહેવાસી આરોપીએ આત્મઘાતી બોમ્બર ઉમર ઉન નબી સાથે મળીને આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આમિર દિલ્હીમાં કાર ખરીદવામાં મદદ કરવા આવ્યો હતો, જેનો ઉપયોગ વિસ્ફોટ કરવા માટે વાહન આધારિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તરીકે કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, જસીર બિલાલ વાની, ઉર્ફે દાનિશ અને હમાસ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની જેમ ભારતમાં પણ હુમલાઓનું આયોજન કરી રહ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકવાદીઓ સતત ડ્રોનમાં ફેરફાર કરીને તેનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ યોજનામાં ડ્રોન પર કેમેરા, બેટરી અને નાના બોમ્બ લગાવવાનો સમાવેશ થતો હતો, જે ભીડવાળા વિસ્તારો અથવા સુરક્ષા મથકો પર ઉડાવીને વિસ્ફોટ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હમાસ અને બીજા આતંકવાદી જૂથો સીરિયા, ગાઝા અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં સમાન ડ્રોન હુમલા કરે છે. દાનિશ અને તેના સહયોગીઓ ભારતમાં આ મોડેલ લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.