રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency)ની કોર્ટે આજે શનિવારે લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ અને હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ, મસરત આલમ સહિત અનેક કાશ્મીરી અલગાવવાદી નેતાઓની વિરૂદ્ધ UAPAની વિભિન્ન કલમો હેઠળ આરોપ નક્કી કરવાનો આદેશ આપ્યો છે. હાફિઝને 2008માં મુંબઈ આતંકી હુમલા માટે માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
NIA કોર્ટે જાણ્યુ કે આતંકવાદી ભંડોળ માટેના નાણાં પાકિસ્તાન અને તેની એજન્સીઓ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને રાજદ્વારી મિશનનો પણ નાપાક મનસૂબા પૂરા કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને ખતરનાક આરોપી તરીકે જાહેર કરાયેલા હાફિઝ સઈદ દ્વારા ટેરર ફંડિંગ માટે પણ ભારતને નાણાં મોકલવામાં આવ્યા હતા.
હાફિઝ સઈદ યુએન દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. સઈદની આગેવાની હેઠળની જમાત-ઉદ-દાવા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સંગઠન છે. લશ્કર-એ-તૈયબા 2008ના મુંબઈ આતંકી હુમલા માટે જવાબદાર છે. આ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેને ડિસેમ્બર 2008માં આતંકવાદી જાહેર કર્યો હતો.
ભારત લાંબા સમયથી સીમાપાર આતંકવાદથી પીડિત છે. એવા ઘણા આતંકવાદીઓ છે જેઓ ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. સરકાર UAPA દ્વારા ઘણા સંગઠનો અને વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ સાથે દેશની ઘણી એજન્સીઓ આ ઘોષિત સંસ્થાઓ અને આતંકવાદીઓ પર ખાસ નજર રાખે છે.
ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ 31 લોકોને આતંકવાદી જાહેર કર્યા છે. બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન, સાંસદ એ વિજયકુમારે ગૃહ મંત્રાલયને પૂછ્યું હતું કે દેશમાં કેટલા લોકો મોસ્ટ વોન્ટેડ કેટેગરીમાં આવે છે અને તેમને પકડવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે. આના પર ગૃહ મંત્રાલયે જવાબ આપ્યો કે આ યાદીમાં 31 લોકો સામેલ છે અને તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.
આ યાદીમાં પહેલું નામ મૌલાના મસૂદ અઝહરનું છે, ત્યારબાદ હાફિઝ મુહમ્મદ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી, દાઉદ ઈબ્રાહિમ કાસકર અને સૈયદ સલાહુદ્દીન જેવા લોકોનું નામ આવે છે, જેઓ દેશના મોસ્ટ વોન્ટેડ ગુનેગારો છે.
આ પણ વાંચો: Tech News: DRDOએ 45 દિવસમાં બનાવી 7 માળની બિલ્ડિંગ, જેમાં બનશે ભારતના સૌથી એડવાન્સ ફાઈટર જેટ