Nepal : નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આજે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ 1 એપ્રિલે વિદેશ મંત્રી એસ જયશંકર ( S .Jaishankar) અને 2 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળશે. માહિતી અનુસાર, ભારતની મુલાકાતના મહત્વને ધ્યાનમાં રાખીને નેપાળના પીએમ શ્રીલંકામાં યોજાનારી BIMSTEC બેઠકમાં ભાગ લઈ રહ્યા નથી, પરંતુ ભારત આવી રહ્યા છે. જોકે, તેઓ BIMSTECને વર્ચ્યુઅલ રીતે સંબોધશે.
નવી દિલ્હીમાં સત્તાવાર કાર્યક્રમો ઉપરાંત નેપાળના વડાપ્રધાન ઉત્તર પ્રદેશમાં વારાણસીની પણ મુલાકાત લેશે. એક અખબારી નિવેદનમાં, વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું હતું કે, ભારત અને નેપાળ સદીઓ જૂના મિત્રતા અને સહકારના વિશેષ સંબંધોનો આનંદ માણે છે. વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. દેઉબા આજે 50 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ભારતની પ્રથમ મુલાકાતે દિલ્હી પહોંચશે.
જુલાઈ 2021માં નેપાળના વડાપ્રધાન બન્યા બાદ દેઉબાની આ પ્રથમ વિદેશ યાત્રા છે. વડાપ્રધાનના પ્રેસ ચીફ ગોવિંદ પરિયારે જણાવ્યું કે, વડાપ્રધાન દેઉબા સાથે તેમની પત્ની આરજુ દેઉબા, ચાર કેબિનેટ મંત્રીઓ, સરકારી સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ પણ હશે.
આ ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું કે, ‘નેપાળના વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો (ભારત-નેપાળ) વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે.
ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં દેઉબાના પ્રતિનિધિમંડળના સભ્યોના નામની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં વિદેશ પ્રધાન ડૉ. નારાયણ ખડકા, ઊર્જા, જળ સંસાધન અને સિંચાઈ પ્રધાન પમ્પા ભુસાલ, આરોગ્ય અને વસ્તી પ્રધાન બિરોદ ખાટીવાડા, કૃષિ અને પશુ બાબતોના પ્રધાન મહેન્દ્ર રાય યાદવનો સમાવેશ થાય છે. દેઉબાની ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું, “આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે.
વડાપ્રધાન મોદી વડાપ્રધાન દેઉબા માટે લંચનું આયોજન કરશે. દેઉબા નવી દિલ્હીમાં ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. દેઉબા નેપાળ પાછા ફરતા પહેલા 3 એપ્રિલે વારાણસી (કાશી)ની મુલાકાત લેશે.
આ પણ વાંચો : ચીન ફરીથી LACનું ઉલ્લંઘન કરશે તો રશિયા પણ મદદે નહીં આવે, ડ્રેગનને અમેરિકાની ચેતવણી
Published On - 1:30 pm, Fri, 1 April 22