2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 38 પાર્ટીઓએ મંગળવારે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે અને NDAના બેનર હેઠળ જોડાનારા પક્ષની સંખ્યા વધી શકે છે.
લોકસભાની આગામી 2024માં યોજાનાર ચૂંટણી જંગમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 38 પાર્ટીઓએ મંગળવારે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે અને તેમની સંખ્યા વધી શકે છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એનડીએની બેઠક યોજાશે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નડ્ડાએ એનડીએની બેઠકમાં આવનારા પક્ષોની વિગતો આપી ન હતી, પરંતુ જ્યારે આ સંબંધમાં તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે બેઠક દરમિયાન જાણવામાં આવશે.
એનડીએની આજે યોજાનાર બેઠકમાં બિહારના HAM, VIP, LJP, Ralokpa, શિવસેના, NCP (અજિત પવાર જૂથ), સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, અપના દળ, નિષાદ પાર્ટી અને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા નાના પ્રાદેશીક પક્ષો સામેલ હોવાનું માનવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ લોકસભાની લગભગ 450 બેઠકો માટે એકજૂથ થઈને સામાન્ય ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. તેના જવાબમાં એનડીએએ પણ વિપક્ષના આ પડકારને સ્વીકારી લીધો છે અને તેના કરતા મોટું ગઠબંધન કરીને ચૂંટણી માટેની રણનીતિના ભાગરૂપે એક પછી એક રાજકીય લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પક્ષોને તોડવા અને એનડીએમાં ભળવા માટે ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપતા, જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ કાયદાના શાસનમાં માને છે અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નેતાઓ NDAસાથે જોડાયા પછી પણ તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે મોદી સરકારે છેલ્લા નવ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને તે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. વિપક્ષી નેતાઓ પર ED અને CBIના દુરુપયોગના વિપક્ષના આરોપો અંગે નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસ વર્તમાન મોદી સરકારના સમયનો નથી. આ કેસ તો મોદી સરકારની પહેલાનો છે, જેમાં બંને જામીન પર બહાર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મની લોન્ડરિંગની તપાસ કુદરતી પ્રક્રિયા હેઠળ થઈ હતી.