
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) ગુરુવારે અલઉમર-મુજાહિદ્દીનના સ્થાપક અને મુખ્ય કમાન્ડર મુશ્તાક અહેમદ ઝરગરને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી (Terrorist) તરીકે જાહેર કર્યા છે. 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ હાઈજેક કર્યા બાદ મુક્ત કરાયેલા આતંકવાદીઓમાંથી ઝરગર પણ એક હતો. અલઉમર મુજાહિદ્દીન (AUM) ની સ્થાપના સશસ્ત્ર સંઘર્ષ દ્વારા જમ્મુ અને કાશ્મીરને (Jammu and Kashmir) ભારતથી મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હોવાનું કહેવાય છે.
AUMનો ‘ચીફ કમાન્ડર’ ઝરગર 1988 અને મે 1989માં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓની તાલીમ લેવા પાકિસ્તાન ગયો હતો. આ આતંકવાદીને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો પર અનેક હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે અને તેણે કથિત રીતે કાશ્મીરી પંડિતોની હત્યા સહિત અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે.
અલઉમર-મુજાહિદ્દીનનું મુખ્ય મથક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદના નરુલ વિસ્તારમાં હોવાનું કહેવાય છે. AUM શ્રીનગર, કુપવાડા, પુલવામા અને બારામુલ્લામાં સક્રિય હોવાનું માનવામાં આવતું હતું. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા સમર્થિત, જૂથે કથિત રીતે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન 2002 માં ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પર હુમલા કરવા માટે જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કામ કર્યું હતું. આ સંગઠને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF) અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારત વિરુદ્ધ સંગઠિત હુમલાઓ કરવા માટે પણ કામ કર્યું છે.
ગયા મહિને જૈશ-એ-મોહમ્મદનો એક આતંકવાદી ઝહૂર ઈબ્રાહિમ પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. જણાવવામાં આવ્યું હતું કે આ આતંકવાદી 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેન IC-814ના અપહરણ અને રુપિન કાત્યાલ નામના મુસાફરની હત્યામાં સામેલ હતો. ભારતમાં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા વેપારી ઝહૂર ઈબ્રાહિમ હતો, જે ઘણા વર્ષોથી ઝાહિદ અખુંદની ખોટી ઓળખ સાથે રહેતો હતો. કંદહાર પ્લેન હાઇજેકિંગ કેસ દરમિયાન, ડોક્ટર કોડનેમ ધરાવનાર ઇબ્રાહિમ કરાચીની અખ્તર કોલોનીમાં ક્રિસેન્ટ ફર્નિચરના નામની દુકાનનો માલિક હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય એરલાઈન્સનું વિમાન IC-814 નેપાળથી 24 ડિસેમ્બર 1999ના રોજ હાઈજેક કરવામાં આવ્યું હતું. વિમાનમાં 176 લોકો સવાર હતા, જેમાં પાંચ હાઇજેકર્સ અને 15 ક્રૂ મેમ્બર પણ હતા. અમૃતસર, લાહોર અને દુબઈમાં થોડા સમય માટે ઉતરાણ કર્યા પછી, પ્લેનને આખરે અફઘાનિસ્તાનના કંદહારમાં ઉતરાણ કરાયુ હતું. જ્યા તે સમયે તાલિબાનના નિયંત્રણ હતું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ