
કોલકાતા એરપોર્ટના રનવેની બાજુમાં આવેલ ઓપરેશનલ ઝોનમાં આવેલી 136 વર્ષ જૂની બાંકરા મસ્જિદ (ગૌરીપુર જામા મસ્જિદ)માં પ્રવેશ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એરપોર્ટ અધિકારીઓએ, ગત 12 જુલાઈને રવિવારે જણાવ્યું હતું કે, આ મસ્જિદમાં નમાઝ પઢવા માટે ફક્ત આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવાનું સુરક્ષા દૃષ્ટિકોણથી યોગ્ય માનવામાં આવતું નથી. જો કે, મુસ્લિમ સમુદાયે સુરક્ષા અધિકારીઓના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.
શનિવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે મસ્જિદ તરફ જતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો હતો અને તાત્કાલિક સમારકામની જરૂર હતી. પરિણામે, ગૌરીપુર જામા મસ્જિદમાં પ્રવેશ બે દિવસ માટે બંધ રહેશે. તેઓએ એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે, જો સમારકામ સમયસર પૂર્ણ થાય છે તો સોમવારથી શ્રદ્ધાળુઓને નમાઝ અદા કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, રવિવારે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.
કોલકાતા એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હાલમાં, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષા ચિંતાઓને કારણે મસ્જિદમાં નમાઝ પઢવાની પરવાનગી આપી શકાય તેમ નથી.”
શુક્રવાર સુધી, એરપોર્ટ સુરક્ષા માટે તૈનાત CISF કર્મચારીઓને તેમના આધાર કાર્ડ બતાવ્યા પછી દરરોજ વિવિધ સમયે લગભગ 70 લોકોને નમાઝ પઢવા માટે મંજૂરી આપવામાં આવી રહી હતી. રવિવારે, ગેટ નંબર 8 ઉપર નમાઝ પઢવા માટે પ્રવેશ દ્વાર પર તૈનાત CISF કર્મચારીઓએ તેમને જાણ કરી હતી કે તેમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) તરફથી ગેટ ફરીથી ખોલવા અંગે કોઈ નવી સૂચનાઓ મળી નથી.
મુસ્લિમ સમુદાયના સભ્યોએ વહીવટીતંત્રના આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. નમાઝી અબુલ કલામે કહ્યું, “હું રવિવારે બપોરે 12:20 વાગ્યે નમાઝ ક્યારે ફરી શરૂ કરી શકાય તેમ છે તે જાણવા ગયો હતો, પરંતુ મને કહેવામાં આવ્યું કે રનવેનું સમારકામ ચાલી રહ્યું છે અને આગામી આદેશો સુધી પ્રવેશ પ્રતિબંધિત રહેશે. ભૂતકાળમાં પણ રનવેનું સમારકામ કરવામાં આવ્યું છે, છતાં નમાઝ ક્યારેય બંધ કરવામાં આવી નથી.
દરમિયાન, ભૂતપૂર્વ મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરી, જેઓ મસ્જિદના હિસ્સેદાર, જમિયત ઉલેમા-એ-હિંદના પશ્ચિમ બંગાળ એકમના વડા પણ છે તેમણ જણાવ્યું હતું કે તેમણે એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે કે નમાઝ ક્યારે ફરી શરૂ કરવામાં આવશે.
BCAS એ તાજેતરમાં એરપોર્ટ અધિકારીઓને પત્ર લખીને ફક્ત આધાર કાર્ડના આધારે પ્રવેશ આપવાની પ્રથા પર સવાલ ઉઠાવ્યા છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નવી પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે કે મસ્જિદમાં જાહેર પ્રવેશ કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવશે કે કેમ તે અંગે નવા નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે.
સ્થાનિક ભાજપ ધારાસભ્ય સૌરવ સિકદારે દાવો કર્યો હતો કે, મસ્જિદ ગૌણ રનવેના આયોજિત વિસ્તરણમાં અવરોધ ઉભો કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, અધિકારીઓએ વારંવાર મસ્જિદ સમિતિને વૈકલ્પિક સ્થળની ઓફર કરી હતી, પરંતુ સમિતિ સ્થળાંતર કરવા તૈયાર નહોતી. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે ટિપ્પણી કરી કે, “ભૂતકાળમાં, સરકારો તુષ્ટિકરણની રાજનીતિને કારણે મસ્જિદના સ્થળાતંર અથવા તો પ્રવેશ અટકાવવા જેવા પગલાં લેવાનું ટાળતી હતી. અમારી સરકાર તેમાં માનતી નથી. મસ્જિદને બીજી જગ્યાએ ખસેડવામાં કોઈ મોટી વાત નથી ?”