Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાહેરાત કરી હતી. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સત્ર 23 દિવસ ચાલશે અને તેમાં 17 બેઠકો હશે. સરકાર ચોમાસુ સત્રને (Monsoon Session) ફળદાયી બનાવવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીએ તમામ વિપક્ષી પાર્ટીઓને સાર્થક ચર્ચા માટે અપીલ કરી હતી. બીજી તરફ વિપક્ષ મણિપુર (Manipur Violence) પર સરકારને ઘેરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. સંસદના નવા બિલ્ડીંગમાં સત્ર યોજાશે. આ ઈમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the #MonsoonSession.
— Pralhad Joshi (@JoshiPralhad) July 1, 2023
ચોમાસુ સત્ર તોફાની બની શકે છે. આ બેઠકો એવા સમયે થઈ રહી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી છે. 22માં કાયદા પંચે નિષ્ણાતો અને ધાર્મિક સંગઠનો સહિત દેશભરના લોકોને આ અંગે પોતાનો અભિપ્રાય આપવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાથી આવ્યા છે. અહીં અમેરિકા સાથે 31 MQ-9 રીપર ડ્રોનની ડીલ કરવામાં આવી છે.
વિપક્ષનો આરોપ છે કે સરકારે આ ડીલ અંગે વધુ માહિતી આપી નથી. કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી શકે છે. આ સિવાય મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસા થઈ રહી છે. ગૃહમંત્રીએ રાજ્યની મુલાકાત લીધી હતી પરંતુ પીએમ મોદી ત્યાં ગયા ન હતા. વિપક્ષ આ મુદ્દે વડાપ્રધાનને સવાલ કરવાના મૂડમાં છે.
આ પણ વાંચો : Uniform Civil Code: આલા હઝરત પરિવારની વહુએ UCCને કર્યું સમર્થન, PM મોદીને પત્ર લખી માન્યો આભાર
Published On - 1:51 pm, Sat, 1 July 23