
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સને UAPA હેઠળ આતંકવાદી સંગઠનો જાહેર કર્યા છે, આ અંગે ગૃહ મંત્રાલયે એક સૂચના પણ બહાર પાડી છે. તે મુજબ પાકિસ્તાનમાં રહેતા અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડાને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સ આતંકવાદી સંગઠન તરીકે સામે આવ્યું હતું. અને તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, તહરીક-એ-મુજાહિદ્દીન, હરકત-એ-જેહાદ-એ-અસ્તલામી જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોમાંથી તેના કેડર્સને બનાવે છે.
નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીના પ્રયાસો, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી અને આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં સામેલ છે. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીર ગઝનવી ફોર્સ સતત ભારતીય સુરક્ષા દળોને ધમકી આપી રહ્યુ છે અને સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી સંગઠનોને ભારત વિરુદ્ધ જોડાવા માટે ઉશ્કેરે છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે JKGF લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, તહરીક-ઉલ-મુજાહિદ્દીન, હરકત-ઉલ-જેહાદ-એ-ઈસ્લામી અને અન્ય આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને આ સંગઠનમાં સામેલ કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે આ આતંકવાદી જૂથે દેશમાં આતંકવાદના વિવિધ કૃત્યો કર્યા છે. JKGF આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત 43મું જૂથ છે.
નોટિફિકેશન મુજબ, જેકેજીએફને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં રહેતા અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડાને પણ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. સંધુને 2021માં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલાના કાવતરાખોરોમાંથી એક માનવામાં આવે છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી હતી.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હરવિંદર સિંહ સંધુ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સીધો સંબંધ ધરાવે છે અને તે મોટા પાયે નાર્કોટિક્સ, શસ્ત્રો અને દારૂગોળાની દાણચોરી, હત્યા, હત્યાનો પ્રયાસ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં લૂંટ અને છેડતી જેવી વિવિધ ગુનાહિત ઘટનાઓમાં સામેલ છે.
સિંહ હવે સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા 54મા વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને કેન્દ્ર સરકારે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના બે પ્રોક્સી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચાર લોકોને આતંકવાદી જાહેર કર્યા હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને 5 જાન્યુઆરીએ પ્રતિબંધિત જૂથ જાહેર કરવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે TRF આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં હથિયારો અને માદક દ્રવ્યોની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોને જોડતુ હતુ.
Published On - 6:48 pm, Fri, 17 February 23