President Election: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપે કમર કસી, જેપી નડ્ડાના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની બેઠક, ઉમેદવારના નામ પર મંથન

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષે 21 જૂને બેઠક પણ બોલાવી છે. આ બેઠક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર દ્વારા બોલાવવામાં આવી છે. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે આ બેઠકમાં હાજર રહી શકશે નહીં.

President Election: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપે કમર કસી, જેપી નડ્ડાના નિવાસસ્થાને પાર્ટીના નેતાઓની બેઠક, ઉમેદવારના નામ પર મંથન
JP Nadda
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jun 19, 2022 | 10:04 PM

આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની (President Election) તારીખ નજીક આવી રહી છે. આવી પરિસ્થિતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ પોત-પોતાના ઉમેદવારો પર વિચાર મંથન શરૂ કરી દીધું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પણ કમર કસી લીધી છે. આજે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના ઘરે પાર્ટી નેતાઓની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા જેપી નડ્ડા (JP Nadda) કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં પ્રેસિડેન્ટ ઈલેક્શનની તૈયારીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે અને મતગણતરી 21 જુલાઈના રોજ થશે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીની તૈયારીઓ જોર પકડી રહી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષે 21 જૂને બેઠક પણ બોલાવી છે. આ બેઠક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર દ્વારા બોલાવવામાં આવી છે. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે આ બેઠકમાં હાજર રહી શકશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રસ્તાવિત બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજર રહેશે. આ પહેલા મમતા બેનર્જીએ 15 જૂને પહેલી બેઠક બોલાવી હતી, જેમાં 17 રાજકીય પક્ષોએ હાજરી આપી હતી.

24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે અને તેમના ઉત્તરાધિકારી માટે 18 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ચૂંટણી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે, જેમાં સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી સહિત તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભા અને લોકસભા અથવા રાજ્ય વિધાનસભાના નામાંકિત સભ્યો ચૂંટણી મંડળમાં સામેલ થવાને પાત્ર નથી, તેથી તેઓ ચૂંટણીમાં ભાગ લેવા માટે હકદાર નથી.

વિધાન પરિષદના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર નથી. લગભગ 10.86 લાખ મતોની ચૂંટણી મંડળમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન પાસે 48 ટકાથી વધુ મત હોવાનું અનુમાન છે અને તેને કેટલાક પ્રાદેશિક પક્ષોનું સમર્થન મળવાની ધારણા છે. ભારતના નવા રાષ્ટ્રપતિની પસંદગીની પ્રક્રિયા 15મી જૂનથી શરૂ થઈ ગઈ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન છે અને જો જરૂર પડશે તો 18 જુલાઈના રોજ મતદાન થશે.