મણિપુરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (CCPS) એ એક મહિલાને હથિયારધારી માણસો સહિત ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હોવાના વાયરલ થયેલા વીડિયોના સંબંધમાં કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મ્યાનમારની છે, જેને મણિપુરની હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ ભંગ કરવા, રમખાણો ભડકાવવા અને કાયદો અને વ્યવસ્થાનું ગંભીર ઉલ્લંઘન કરવાના ઈરાદાથી ખોટા સમાચાર ફેલાવનારા આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ 4 મેના રોજ બે મહિલાઓના વાયરલ થયેલા વીડિયોના સંબંધમાં મણિપુર પોલીસે સોમવારે અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં એક કિશોર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસ ચાલી રહી છે.
હકીકતમાં, એક મહિલાને જાહેરમાં ગોળી મારવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને મણિપુરમાં હિંસા તરીકે વાયરલ કરવામાં આવી રહી છે. જો કે, મણિપુર પોલીસે ટ્વિટ કર્યું કે, આ વાયરલ વીડિયો મણિપુરનો નથી. આ વીડિયો મ્યાનમારનો જણાવવામાં આવી રહ્યો છે. અહીં છાયા સરકાર નેશનલ યુનિટી ગવર્નમેન્ટ (NUG)ના પીપલ્સ ડિફેન્સ ફોર્સે જાસૂસીની શંકામાં એક મહિલાને ગોળી મારી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, મણિપુર લગભગ ત્રણ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેની શરૂઆત હાઈકોર્ટના આદેશ બાદ થઈ હતી. જેમાં બિન-આદિવાસી મેઈતેઈ સમુદાયને આદિજાતિમાં સામેલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નાગા અને કુકી આદિવાસીઓ આ આદેશનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. અહીં વિરોધ ધીમે ધીમે હિંસામાં ફેરવાઈ ગયો. આમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ હજારો લોકો વિસ્થાપિત થયા છે.
આ સિવાય મણિપુરમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સેંકડો લોકોની ભીડ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ દેશ અને દુનિયામાં તેની નિંદા થઈ હતી. આ અંગે ખુદ પીએમ મોદીએ નિવેદન આપવું પડ્યું. જ્યારે, આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે.