એક વસ્તુ જે આવનારા ભવિષ્ય અને વર્તમાનને ઉર્જા આપી રહી છે તે છે લિથિયમ, હાલમાં આ લિથિયમ પર ઓસ્ટ્રેલિયા અને ચીનનો દબદબો છે. આ બંને દેશો પાસે લાખો ટન લિથિયમનો ભંડાર છે. પરંતુ ભારતના ખાણ મંત્રાલયે બહુ મોટા સમાચાર આપ્યા છે. સરકારે ગુરુવારે કહ્યું કે દેશમાં પહેલીવાર જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો છે.
ખાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અનુમાનિત સંસાધન (G3)ની શોધ કરી છે. ખાણ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, લિથિયમનો ભંડાર પહેલીવાર મળી આવ્યો છે અને તે પણ જમ્મુ અને કાશ્મીરમાં. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) દ્વારા સંશોધન પર જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમના ભંડાર મળી આવ્યા છે.
વાસ્તવમાં લિથિયમ એ એવી ‘નોન-ફેરસ’ ધાતુ છે જે કોઈપણ બેટરીના મહત્વના ઘટકોમાંનું એક છે. અગાઉ, ખાણ મંત્રાલયે કહ્યું હતું કે, સરકાર ઉભરતી તકનીકો માટે મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા શૃંખલાને મજબૂત કરવા ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિતના ખનિજોને સુરક્ષિત કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. હાલમાં, ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા અનેક ખનિજો માટે આયાત પર નિર્ભર છે.
સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડની 62મી બેઠકમાં ખાણ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ ખનિજો દરેક જગ્યાએ જરૂરી છે, પછી તે મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ. તેમણે કહ્યું કે આત્મનિર્ભર બનવા માટે દેશ માટે મહત્વપૂર્ણ ખનિજોની શોધ અને પ્રક્રિયા કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો સોનાની આયાતમાં ઘટાડો થશે, તો આપણે આત્મનિર્ભર બનીશું.
સોડિયમ બેટરી કરતાં લિથિયમ બેટરી વધુ સારી હોવાનું કહેવાય છે. પરંતુ લિથિયમની માંગ વધુ છે અને ભંડાર ઓછો છે. આવી સ્થિતિમાં સોડિયમ બેટરી ખૂબ સસ્તો વિકલ્પ બની શકે છે. લગભગ 10 વર્ષ પહેલા જ્યાં તેની કિંમત $4500 પ્રતિ ટન આસપાસ હતી, આજે તેની કિંમત $80,000 પ્રતિ ટનને પાર કરી ગઈ છે.