
નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના બાદ NDAના અન્ય 71 સાંસદોએ પણ મંત્રીમંડળના સભ્ય તરીકે શપથ લીધા હતા. જેમાં 30 સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે, 36 રાજ્યકક્ષાના મંત્રી તરીકે અને 5 સાંસદોએ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ, સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યાં શપથ લેવાઈ રહ્યા હતા તે સ્થળે સ્ટેજની પાછળ એક પ્રાણી ચાલતું હતું.
કેમેરામાં કેદ થયેલ પ્રાણીની આ હિલચાલ અનેક સવાલો ઉભા કરી રહી છે. વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ પ્રાણી ક્યાંથી આવ્યું છે અને કયુ પ્રાણી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં અલ્મોડા લોકસભા મતવિસ્તારથી ચૂંટાયેલા સાંસદ અજય તમટા શપથ લેતા જોવા મળે છે. આમાં એક પ્રાણી સ્ટેજની પાછળ થોડી સેકન્ડ માટે ચાલતું જોઈ શકાય છે.
अल्मोड़ा संसदीय क्षेत्र से माननीय सांसद श्री @AjayTamtaBJP जी को केंद्रीय राज्य मंत्री पद की शपथ लेने पर हार्दिक बधाई एवं उज्ज्वल कार्यकाल हेतु अनंत शुभकामनाएं! pic.twitter.com/zL3MsOtPD3
— Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) June 9, 2024
જ્યારે ભાજપના સાંસદ દુર્ગા દાસ શપથ લઈ રહ્યા હતા ત્યારે પણ પ્રાણીની હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી. શપથ ગ્રહણ સમારોહ પૂરો થયા બાદ જ્યારે લોકોએ આ પ્રાણીને જોયુ તો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી. કોઈએ તેને પાલતુ દિપડો ગણાવ્યો, જ્યારે કોઈ અન્ય વ્યક્તિએ કહ્યું કે તે જંગલી બિલાડી હોઈ શકે છે, જે પડછાયાને કારણે મોટી દેખાય છે. હજુ સુધી આ પ્રાણીની હિલચાલને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
રાષ્ટ્રપતિ ભવનની 330 એકર જમીન પર જૈવવિવિધતાનો અનોખો સંગમ જોઈ શકાય છે. જેમાં પ્રકૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવા માટે 75 એકરમાં નેચર ટ્રેલ તૈયાર કરવામાં આવી છે. તેમાં તળાવ, બટરફ્લાય કોર્નર, કેરીના બગીચા, મોર પોઈન્ટ અને અન્ય મનમોહક કુદરતી નજારો છે.
જંગલી છોડની 136 પ્રજાતિઓ છે. પ્રાણીઓની 84 પ્રજાતિઓ પણ છે. તેમાં દેડકા, ગરોળી, સાપ વગેરે પણ છે. જેના કારણે અહીંથી જ સ્ટેજની પાછળ કોઈ પ્રાણી પહોંચી ગયું હોવાની પણ આશંકા છે.
(નોંધ- આ સમાચાર વાયરલ વીડિયો આધારિત છે. ટીવી9 આ વીડિયો કે તેમાં જોવા મળતા પ્રાણી અંગે પૃષ્ઠી કરતું નથી)