તિબેટના નેતાએ રહસ્ય ખોલતા કહ્યુ, અનેક ક્ષેત્રે આગળ વધતા ભારતથી ડરીને ચીને આક્રમક વલણ અપનાવ્યું

તિબેટના નેતાએ કહ્યું કે સારી રીતે વિચારેલી વ્યૂહરચનાના ભાગરૂપે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેના આવા પગલાથી બન્ને દેશમાંથી કોઈને ફાયદો નહીં થાય. ચીનની સરકારને ભારત સરકાર અને વિવાદાસ્પદ પ્રદેશના લોકોનો વિશ્વાસ મેળવવામાં ઘણા વર્ષો લાગી જશે.

તિબેટના નેતાએ રહસ્ય ખોલતા કહ્યુ, અનેક ક્ષેત્રે આગળ વધતા ભારતથી ડરીને ચીને આક્રમક વલણ અપનાવ્યું
Indian Army in Arunachal Pradesh (File photo)
| Edited By: | Updated on: Dec 18, 2022 | 9:22 AM

તિબેટની નિર્વાસિત સરકારના રાષ્ટ્રપતિ પેનપા ત્સેરિંગે શનિવારે કહ્યું કે ભારત વિરુદ્ધ ચીનનું આક્રમક વલણ તેની અસુરક્ષાની લાગણીનું પરિણામ છે. આવા પગલાં દ્વારા ચીન એશિયામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા ઈચ્છે છે. જમ્મુ યુનિવર્સિટી ખાતે બૌદ્ધ અધ્યયન વિભાગના સહયોગથી આયોજિત ઈન્ડો-તિબેટિયન યુનિયનની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક-કમ-સેમિનાર યોજાયો હતો. જેમાં તિબેટીયન નેતા પેનપા ત્સેરિંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્સેરિંગે મીડિયાને કહ્યું કે, “ભારત વિરુદ્ધ ચીનનું આક્રમક વલણ તેની અસુરક્ષાની ભાવના દર્શાવે છે. ચીનનો ઉદ્દેશ્ય ભારતને આગળ વધતા રોકવાનો છે જેથી કરીને એશિયાઈ ક્ષેત્રમાં તેના વર્ચસ્વને પડકારવા માટે કોઈ ના રહે.

ચીને 2020 માં લદ્દાખની ગાલવાન ખીણમાં અને અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં 9 ડિસેમ્બરે વાસ્તવિક નિયંત્રણ રેખા  પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ અંગેના પ્રશ્નોને લઈને પેનપા ત્સેરિંગે મીડિયા સાથે વાત કરી હતી. પેનપા ત્સેરિંગે કહ્યું કે, ‘ચીન કોઈપણ કારણ વગર ભારત વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યુ છે. જ્યારે હકીકત એ છે કે ચીને જે જગ્યાએ વિવાદ સર્જોય છે તે સ્થળોએ લોકો રહેતા નથી. તેઓ માત્ર ભારત સરકારને હેરાન કરવા માટે આવી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે.

ચીન 1962ના યુધ્ધને લઈને આક્રમક

ચીનના આક્રમક વલણને સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનું પરિણામ ગણાવતા, તિબેટના નેતા પેનપા ત્સેરિંગે કહ્યું કે આવા પગલાથી કોઈને ફાયદો નહીં થાય. ચીનની સરકારને ભારત સરકાર અને ત્યાંના લોકોનો વિશ્વાસ મેળવવામાં ઘણા વર્ષો લાગી જશે. ત્સેરિંગે કહ્યું કે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ હંમેશા ભારત અને ચીન વચ્ચે સારા પડોશી સંબંધોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ચીન તેના આક્રમક કૃત્યોથી 1962ના ચીન-ભારત યુદ્ધના ઘાને પોષી રહ્યું છે.

ભારતને હવે દબાવી શકાય નહીં

તેમણે કહ્યું, ‘જો ચીન એવું વિચારતુ હોય કે ભારત હજુ પણ 1962 જેટલું નબળું છે, તો તે ખોટું છે. ભારતે ત્યારબાદના દાયકાઓમાં ઘણી પ્રગતિ કરી છે. હવે ભારત સાથે અથડામણ કે ઘર્ષણ કરી શકાતુ નથી.” ચીનની ઘૂસણખોરીને નિયંત્રિત કરવા અંગે કોંગ્રેસ દ્વારા ભારત સરકારની ટીકા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, “નેતાઓના મંતવ્યો અલગ હોઈ શકે છે અને વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે. લોકશાહીમાં રચનાત્મક ટીકા હંમેશા આવકાર્ય હોય છે. પરંતુ હું માનું છું કે ચીનના મુદ્દે ભારતીય નેતૃત્વએ ખૂબ જ મજબૂત વલણ અપનાવ્યું છે. જ્યાં સુધી ચીને ઘૂસણખોરી કરી છે તે તમામ વિસ્તારોમાંથી સૈનિકો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી બન્ને દેશ વચ્ચેના સંબંધો સામાન્ય નહીં થાય.