
Uttarakhand News : ઉત્તરાખંડમાં ચોમાસાના ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પ્રભાવિત થઈ છે. ખાસ કરીને સોનપ્રયાગમાં ખડક ધસી આવતા અને ગૌરી કુંડમાં ભૂસ્ખલન થતા, કેદારનાથની યાત્રા ફરી એકવાર અચોક્કસ સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ ગુરુવારે સવારે 6 વાગ્યાથી ચાર ધામ યાત્રા ફરી શરૂ થઈ હતી, પરંતુ કેદારનાથ જવાના પદયાત્રાના માર્ગ પર ગૌરી કુંડ પાસે અચાનક મોટા પાયે ભૂસ્ખલન થવાને કારણે યાત્રાળુઓની અવરજવર ફરી એકવાર બંધ કરવામાં આવી છે. વધુમાં, સોનપ્રયાગ વિસ્તારમાં ટેકરીઓ પરથી અચાનક પથ્થરો પડતાં વહીવટીતંત્રે સલામતીના કારણોસર યાત્રા સ્થગિત કરી દીધી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ગઈકાલ બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે વહેલી સવારે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. ગૌરી કુંડ નજીક પગપાળા જવાનો માર્ગમાં અવરોધ સર્જાયો છે. માર્ગ પરથી મોટા પથ્થરો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અચાનક ખડકો પડતાં સોનપ્રયાગમાં આ માર્ગ અસુરક્ષિત બન્યો હતો, જેના કારણે અધિકારીઓએ યાત્રાળુઓને સલામત સ્થળોએ રાખવા પડ્યા હતા. પોલીસ, SDRF, NDRF અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યાત્રા ફરી શરૂ થશે.
केदारनाथ पैदल मार्ग बंद!
गौरीकुण्ड गेट से करीब 200 मी. आगे भूस्खलन और मलबा आने से यात्रियों की आवाजाही रोकी गई है। मार्ग खोले जाने का कार्य जारी है। श्रद्धालुओं से अपील है कि सुरक्षित रहें और प्रशासन के निर्देशों का पालन करें।
#KedarnathYatra2026 pic.twitter.com/jJtInn3NaW— Rudraprayag Police Uttarakhand (@RudraprayagPol) July 30, 2026
સતત વરસાદને કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં અલકનંદા અને મંદાકિની નદીઓમાં પાણીનું સ્તર ભયસુચક ચેતવણીના ચિહ્નથી ઉપર વધી ગયું છે. વધતાજતા પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે હાઇ એલર્ટ જાહેર કર્યું છે અને નદી કિનારાના વિસ્તારોના રહેવાસીઓને સલામત સ્થળોએ ખસી જવાની સલાહ આપી છે. કોઈપણ સંભવિત કુદરતી આફતનો સામનો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. સીએસ તોમરના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ રાજ્યના 10 જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે:
ઓરેન્જ એલર્ટ : બાગેશ્વર, નૈનિતાલ, ચંપાવત અને પિથોરાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટ: ઉત્તરકાશી, દેહરાદૂન, ચમોલી, પૌરી, ટિહરી અને ઉધમ સિંહ નગર.
જ્યારે કેદારનાથ યાત્રા હાલમાં સ્થગિત છે, ત્યારે બદ્રીનાથ ધામની યાત્રા ચાલુ છે. ભારે પ્રયાસો પછી, રાહત અને બચાવ ટીમોએ બુધવારે મોડી રાત્રે બદ્રીનાથ હાઇવે ફરી ખોલ્યો છે. ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનથી રસ્તો બંધ થઈ ગયો હતો. ચમોલીમાં નદીના પાણીનું સ્તર વધ્યું હોવા છતાં, તે હાલમાં ભયના નિશાનથી નીચે છે.