ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન બાદ તે વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જે બાદ અસુરક્ષિત ઝોનમાં આવેલા મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન ઈસરો દ્વારા સેટેલાઈટ મારફતે લેવાયેલ ફોટા બહાર પાડવામાં આવ્યા હતા જેમાં જોશીમઠનું ડરામણું સ્વરુપ સામે આવ્યું હતુ. જે બાદ બીજો એક રિપોર્ટ તપાસ ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમા અધિકારીઓની ટીમના તપાસ અહેવાલે અહીં રહેતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.
અધિકારીઓને જાણવા મળ્યું છે કે જોશીમઠનો કેટલોક ભાગ 2.2 ફૂટ એટલે કે 70 સેમી સુધી ડૂબી ગયો છે. જોશીમઠની સપાટીની તપાસ ચાલી રહી છે. ત્યારે એવું જાણવા મળ્યું છે કે જેપી કોલોનીમાં બેડમિન્ટન કોર્ટની આસપાસના વિસ્તારોમાં 70 સેમી સુધીનો ઘટાડો થયો છે. તે જ સમયે, મનોહર બાગમાં પણ જમીન 7 થી 10 સેમી સુધી ધસી ગઈ છે. અધિકારીઓની ટીમ હજુ પણ જુદા જુદા વિસ્તારોમાં સર્વે કરી રહી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)ના પ્રાથમિક અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે એપ્રિલ અને નવેમ્બર 2022 વચ્ચે જોશીમઠમાં જમીન ધસી જવાની પ્રક્રિયા ધીમી હતી, જે દરમિયાન જોશીમઠ 8.9 સેમી સુધી ડૂબી ગયું હતું. . જો કે, 27 ડિસેમ્બર, 2022 અને 8 જાન્યુઆરી, 2023 ની વચ્ચે, ભૂસ્ખલનની તીવ્રતા ઝડપી થઈ અને શહેર 5.4 સેમી ડૂબી ગયું. આ તસવીરો Cartosat-2S સેટેલાઇટમાંથી લેવામાં આવી છે. જોકે, આ રિપોર્ટ હવે ઈસરોની વેબસાઈટ પરથી ગાયબ થઈ ગયો છે.
ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ વિસ્તાર થોડા દિવસોમાં લગભગ પાંચ સેમી ડૂબી ગયો છે અને ઘટવાની પ્રાદેશિક હદ પણ વધી છે. જો કે તે જોશીમઠ શહેરના મધ્ય ભાગ સુધી સીમિત છે. આર્મી હેલિપેડ અને નરસિંહ મંદિરને ચિત્રોમાં જોશીમઠ શહેરના મધ્ય ભાગમાં ફેલાયેલા ધનસાવ વિસ્તારમાં અગ્રણી સીમાચિહ્નો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
તે જ સમયે, શનિવારે, વહીવટીતંત્રે અસ્થાયી રાહત કેન્દ્રોને ઇલેક્ટ્રિક હીટર પ્રદાન કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ 38 પરિવારોને બહાર કાઢવામાં આવ્યા છે. 10 સ્થળોએ અગ્નિ પ્રગટાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત સિન્હાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 223 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભૂસ્ખલન પ્રભાવિત જોશીમઠથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલા સેલંગ ગામમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ હોવાની આશંકા છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી ખેતરો અને ઘણાં ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે.