
ભારતની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો હતો . જેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યાં અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનાથી રાજધાની દિલ્હીમાં ભયનો માહોલ છવાઈ ગયો. પ્રશ્ન એ હતો કે, આ કેવી રીતે બન્યું ? તેની પાછળ કોણ હતું ? શું તે કોઈ મોટું આતંકવાદી કાવતરું હતું કે અકસ્માત ?
દિલ્હી પોલીસ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), તેમજ ગુપ્તચર વિભાગો આ સમગ્ર કેસની સંયુક્તપણે તપાસ કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે દેશ એક વધુ મોટા અને ગંભીર આતંકી હુમલામાંથી બચી ગયો. જેનો સંપૂર્ણ શ્રેય જમ્મુ અને કાશ્મીર પોલીસને જાય છે.
સમગ્ર ઘટનાક્રમની શરૂઆત શ્રીનગરના નૌગામ વિસ્તારથી થઈ હતી . ગત 18મી ઓક્ટોબરની સવારે, સ્થાનિકોએ દીવાલો પર જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ધમકીસભર પોસ્ટરો જોયા. આ પોસ્ટરોમાં સુરક્ષા દળોને ચેતવણી આપવામાં આવી હતી કે તેમને “ટૂંક સમયમાં પાઠ ભણાવવામાં આવશે.” જમ્મુ અને કાશ્મીરમાં આવા બનાવો સામાન્ય હોવા છતાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે તેને સહેજ પણ અવગણ્યો નહીં. એક નાનકડી ટુકડીએ તપાસનો દોર શરૂ કર્યો, અને આખરે તે તપાસના પરિણામે 800 કિલોમીટર દૂર ફરીદાબાદમાં છુપાયેલા સંપૂર્ણ આતંકવાદી જૂથનો ભાંડો ફૂટ્યો.
પોલીસ ટુકડીએ દીવાલો પરના સંદેશાઓ અને તેમાં રહેલા ગુપ્ત કોડ્સનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. આ કોડ્સને ઉકેલવામાં ટીમને આશરે 21 દિવસનો લાંબો સમય લાગ્યો. જોકે, આ રહસ્યમય કોડ્સ ખૂલી ગયા પછી, એ સ્પષ્ટ થયું કે વિદેશમાં બેઠેલા સૂત્રધારો ભારતમાં એક વિશાળ આતંકી હુમલાનું આયોજન કરી રહ્યા હતા.
શરૂઆતમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની ધરપકડ થઈ, જેમણે માહિતી આપી કે ડોકટરો, મૌલવીઓ અને વિદ્યાર્થીઓ જેવા શિક્ષિત લોકો જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કડીઓ જોડતા, પોલીસે (ડોક્ટર્સ ઓફ ટેરર) નો પર્દાફાશ કર્યો. આ સભ્યો માત્ર તબીબી જ્ઞાન ધરાવતા નહોતા, પરંતુ રાસાયણિક વિસ્ફોટકો બનાવવામાં અને છુપાવવામાં પણ નિષ્ણાત હતા. આ તપાસ શ્રીનગર, સહારનપુર થઈને હરિયાણાના ફરીદાબાદ પહોંચી.
6ઠ્ઠી નવેમ્બરની વહેલી સવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસ તેમજ ઉત્તર પ્રદેશ પોલીસના સંયુક્ત દળે સહારનપુરમાંથી ડૉ. આદિલ અહેમદ રાથરને ઝડપી લીધા. ડૉક્ટરના વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, રાથર ગુપ્ત રીતે જૈશના જૂથ સાથે સંકળાયેલા હતા. તેમની પૂછપરછમાં મળેલા સંકેતોને પગલે તપાસનો માર્ગ સીધો ફરીદાબાદ તરફ વળ્યો. ત્યાં જ પોલીસે શ્રીનગરના મૂળ નિવાસી મુઝમ્મિલ અહેમદની અટકાયત કરી, જે જૈશના પોસ્ટરો લગાવવાના ગુનામાં અગાઉથી જ વોન્ટેડ હતો.
જ્યારે મુઝમ્મિલની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેનાથી તપાસ એજન્સીઓ ચોંકી ગઈ. તેણે કબૂલ્યું કે તેના ફરીદાબાદના ઘરમાં આશરે 2,900 કિલોગ્રામ વિસ્ફોટકો છુપાવ્યા હોવાની કબૂલાત કરી. જમ્મુ અને કાશ્મીર પોલીસે તાત્કાલિક હરિયાણા પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. કલાકોની શોધખોળ બાદ, ઘરમાંથી ટનબંધ વિસ્ફોટકો, ઇલેક્ટ્રોનિક ટાઈમર અને વિસ્ફોટક રસાયણો જપ્ત કર્યા. જો આ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો આતંકવાદી હુમલો દિલ્હી-એનસીઆરને હચમચાવી શક્યો હોત.
ફરીદાબાદની તપાસ પછી, એ સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય આતંકવાદી યોજના નથી. આ ડોક્ટરોનું નેટવર્ક હતું. શિક્ષિત લોકોનું નેટવર્ક જે પોતાના મનનો ઉપયોગ આતંક માટે કરી રહ્યા હતા. ફરીદાબાદમાં હાથ ધરાયેલી તપાસ બાદ, એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે આ કોઈ સાધારણ આતંકવાદી વ્યૂહરચના નહોતી. આ ડોક્ટરો દ્વારા સંચાલિત એક આખું જાળું હતું. આ શિક્ષિત સમુદાયનું સંગઠન હતું, જેઓ પોતાની બુદ્ધિ નો ઉપયોગ વિનાશક પ્રવૃત્તિ હેતુઓ માટે કરી રહ્યા હતા.
ડૉ. આદિલ અહેમદ રાથર (સહારનપુર) – ડૉ. મુઝમ્મિલ શકીલ (ફરીદાબાદ) – ડૉ. શાહીન શાહિદ (દિલ્હી) આ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ચોથો સભ્ય, ડૉ. ઉમર મહમૂદ, ભાગી જવામાં સફળ રહ્યો. પોલીસે શોધી કાઢ્યું કે ઉમર એ જ વ્યક્તિ હતો જેણે દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. સૂત્રો મુજબ તેણે ગભરાટમાં વિસ્ફોટ કર્યા હતા, કોઈ મોટી યોજનાના ભાગ રૂપે નહીં.
પોલીસનું કહેવું છે કે જ્યારે ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થયો, ત્યારે ઉમરને વિશ્વાસ હતો કે પોલીસ તેને વાહલા તકે પકડી લેશે. ગભરાઈને તેણે લાલ કિલ્લા વિસ્તારમાં પોતાની કાર પાર્ક કરી અને ઉતાવળે વિસ્ફોટ કર્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના આસપાસની દિવાલો હચમચી ગઈ અને 12 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. જોકે, નિષ્ણાતો માને છે કે જો વિસ્ફોટ સારી રીતે આયોજનબદ્ધ હોત, તો નુકસાન ઘણું વધારે થઈ શક્યું હોત. આ સૂચવે છે કે વિસ્ફોટ ગભરાટની પ્રતિક્રિયાનું પરિણામ હતું.
તપાસમાંએ પણ બહાર આવ્યું છે કે આ સમગ્ર નેટવર્ક વિદેશ સ્થિત હેન્ડલર્સ દ્વારા સંચાલિત હતું. આ હેન્ડલર્સ ટેલિગ્રામ, સિગ્નલ અને ડાર્ક વેબ જેવા એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા ડૉકટરો અને વિદ્યાર્થીઓને સૂચનાઓ આપતા હતા. તેઓ તેમની ઓળખ છુપાવવા માટે ધાર્મિક અને સામાજિક સેવાઓના આડમાં કાર્યો કરવા માટે કહેતા હતા. જો કે, આ નેટવર્કનો ઉપયોગ વાસ્તવમાં ભંડોળ, શસ્ત્રો અને વિસ્ફોટકો પૂરા પાડવા માટે થતો હતો. તપાસ એજન્સીઓને શંકા છે કે આ મોડ્યુલ પાછળ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો હાથ હતો.
જો જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગર પોસ્ટર કેસને ગંભીરતાથી ન લીધો હોત, તો આજે દેશ એક મોટો આતંકવાદી હુમલો જોઈ શક્યો હોત. તેમની તપાસથી માત્ર આ મોડ્યુલ જ નહીં પરંતુ દિલ્હી-એનસીઆરને એક ભયંકર આપત્તિથી પણ બચાવી લીધું. જમ્મુ અને કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “જ્યારે અમે પહેલી વાર પોસ્ટરો જોયા, ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ તપાસ અમને દેશના બીજા છેડા સુધી લઈ જશે. પરંતુ જેમ જેમ સંકેતો બહાર આવ્યા, અમને સમજાયું કે આ સામાન્ય પ્રચાર નથી, પરંતુ એક મોટું આતંકવાદી નેટવર્ક છે.”
હાલમાં, તપાસ એજન્સીઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે લાલ કિલ્લા વિસ્ફોટમાં માર્યો ગયેલો વ્યક્તિ ખરેખર ડૉ. ઉમર મહમૂદ હતો કે નહીં. આ વાતની પુષ્ટિ કરવા માટે, તેની માતાના ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે. તેના બે ભાઈઓની પણ અટકાયત કરવામાં આવી રહી છે અને તેઓ નેટવર્કનો ભાગ હતા કે નહીં તે નક્કી કરવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. જો ડીએનએ મેચ થશે, તો સ્પષ્ટ થશે કે લાલ કિલ્લા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા કાર સવાર આતંકવાદી ડૉ. ઉમર હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હવે આ કેસ સંભાળી લીધો છે. તપાસનું ધ્યાન ફક્ત વિસ્ફોટ કેવી રીતે થયો તેના પર જ નહીં, પરંતુ “ડોક્ટર્સ ઓફ ટેરર” નેટવર્ક કેવી રીતે રચાયું, કોણ સામેલ હતું અને તેમના સ્લીપર સેલ કયા શહેરોમાં અસ્તિત્વ ધરાવે છે તેના પર પણ છે. દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ NCRમાં હોસ્પિટલો, મેડિકલ કોલેજો અને વિદ્યાર્થી સંગઠનો પર પણ નજર રાખી રહી છે.