ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન શુક્રવારે ચક્રવાતી તોફાન જવાદમાં (Jawad Cyclone) પરિણમ્યું હતું. રવિવાર સુધીમાં આ ચક્રવાતી તોફાન ઓડિશાના પુરી પહોંચે તેવી પૂરી સંભાવના છે. જવાદ વાવાઝોડાને કારણે જે વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થશે તેમાં નોર્થ કોસ્ટલ આંધ્રપ્રદેશ, દક્ષિણ કોસ્ટલ ઓડિશાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે સપ્તાહના અંતે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરાના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની (Heavy Rain) આગાહી પણ કરી છે. જવાદ વાવાઝોડાની અસર પુરીમાં (Puri) દેખાવા લાગી છે. આ તોફાન રવિવારે ઓડિશાના દરિયાકાંઠે અથડાવાનું છે, પરંતુ પુરીમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
આ ઉપરાંત પવનની ગતિ પણ વધી છે. જેના કારણે NDRFની 64 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF અધિકારી બિશ્વનાથ ચૌધરીએ જણાવ્યું કે, જવાદ તોફાનને ધ્યાનમાં રાખીને ઓડિશાના પુરીમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડું નબળું પડવાની શક્યતા
ભારતીય હવામાન વિભાગે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે શનિવારની સવારે 5.30 વાગ્યા સુધી, જવાદ વાવાઝોડું આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 230 કિમી દક્ષિણ-પૂર્વમાં અને ઓડિશામાં પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, બંગાળની ખાડીમાં પશ્ચિમ-મધ્યમાં કેન્દ્રિત હતું. વિભાગે જણાવ્યું હતું કે આગામી 12 કલાકમાં વાવાઝોડું ધીમે ધીમે નબળું પડવાની અને ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે.
ટ્રેનો રદ – સગર્ભા મહિલાઓને હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવી
ભારતીય રેલવેએ (Indian Railway) ચક્રવાત જવાદને ધ્યાનમાં રાખીને 4 અને 5મી ડિસેમ્બરે ઓડિશામાંથી પસાર થતી 75 થી વધુ પેસેન્જર ટ્રેનોને બે દિવસ માટે રદ કરવાનો નિર્ણય લીધો છે. ઓડિશા સરકાર ચક્રવાતથી પ્રભાવિત જિલ્લાઓમાં પ્રકોપને ધ્યાનમાં રાખીને સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલોમાં ખસેડી રહી છે. અત્યાર સુધીમાં 400 થી વધુ સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દરમિયાન, ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવનાવાળા વિસ્તારોમાં સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : અખિલેશ યાદવ મમતા બેનર્જીના વૈકલ્પિક મોરચામાં જોડાશે ! સપા પ્રમુખે કહ્યું- બંગાળની જેમ યુપીમાં પણ ભાજપનો સફાયો થશે