
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં સુરક્ષાદળોને મોટી સફળતા સાંપડી છે. સુરક્ષાદળોએ સંયુક્ત ‘ઓપરેશન અશદર’ (Op Ashdar) દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં એક મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ યાસિર તરીકે થઈ છે, જે મૂળ પાકિસ્તાનનો રહેવાસી હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલો હતો.
સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, યાસિર જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષાદળો પર થયેલા અનેક મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો. પ્રાથમિક માહિતી મુજબ, તેનું નામ ઓછામાં ઓછા પાંચ મોટા આતંકી હુમલાઓ સાથે સીધું જોડાયેલું હતું, જેમાં સેના અને એરફોર્સના જવાનો સહિત નાગરિક પોર્ટર પણ શહીદ થયા હતા. લાંબા સમયથી ઘાટીમાં આતંકી નેટવર્ક ચલાવી રહેલા યાસિરનું એન્કાઉન્ટર સુરક્ષા એજન્સીઓ માટે ઘણી મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
સુરક્ષાદળોને બાતમી મળી હતી કે બારાગાંવના ગાઢ જંગલોમાં આતંકવાદીઓનું એક મોટું જૂથ છુપાયેલું છે. પાક્કી ગુપ્ત માહિતીના આધારે ત્રણ દિવસ અગાઉ જ્યારે ઘેરાબંધી કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આતંકીઓ જંગલના ઊંડાણમાં ભાગી ગયા હતા.
ત્રણ દિવસ સુધી ચાલેલા સતત સર્ચ ઓપરેશન અને ભીષણ ગોળીબાર બાદ જવાનોએ યાસિર નામના પાકિસ્તાની આતંકીને ઠાર કરી દીધો હતો. જોકે, તેની સાથે રહેલા કેટલાક સાથી આતંકીઓ ગાઢ જંગલનો લાભ લઈને ભાગવામાં સફળ રહ્યા છે.
યાસિરના માર્યા ગયા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કડક કરીને સર્ચ ઓપરેશનનો વ્યાપ વધારી દીધો છે. ભાગી છૂટેલા બાકીના આતંકીઓને શોધવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે.