
દિલ્હીના લાલ કિલ્લાના પરિસરમાં આવેલા એક પાર્કમાં જૈન ધાર્મિક વિધિ ચાલી રહી હતી. જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં આ ઉદ્યાનની મુલાકાત લેવા આવ્યા હતા. જો કે, ધાર્મિક વિધિ માટે રાખવામાં આવેલ 1 કરોડ રૂપિયાની કિંમતનો કળશ ચોરાઈ ગયો અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ચોરી 2 સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમના સ્વાગત દરમિયાન થયેલી અફરાતફરી દરમિયાન કળશ સ્ટેજ પરથી ગાયબ થઈ ગયો હતો. પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાની માહિતી જાહેર કરી હતી.
જણાવી દઈએ કે, જૈન ધર્મમાં કળશ સ્થાપનનું વિશેષ મહત્વ છે. કળશ સ્થાપનાનો હેતુ ભગવાનને આહ્વાન કરવાનો અને સકારાત્મક તેમજ પવિત્ર ઉર્જાનો સંચાર કરવાનો છે. કળશને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. કળશની સ્થાપના કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, શુદ્ધ સોનાથી બનેલા કળશનું વજન લગભગ 760 ગ્રામ છે, જેમાં લગભગ 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા છે. તેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ફૂટેજમાં જૈન પૂજારીના વેશમાં એક શંકાસ્પદ વ્યક્તિ કિંમતી વસ્તુઓ ભરેલી બેગ લઈને ભાગતો જોવા મળે છે. પોલીસે તેની ઓળખ કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
Published On - 8:48 pm, Sat, 6 September 25