ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા જીવિત છે કે મરી ગયો છે તેના પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા પાકિસ્તાનમાં ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ થયું હોવાના અહેવાલના બે મહિના પછી ખાસ એજન્સીઓને સબુત મળ્યા છે કે તે જીવતો હોઈ શકે છે. આ મુદ્દા પર તાજેતરમાં ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, NIAએ 10 લાખ રૂપિયાના ઈનામ સાથે વોન્ટેડ આતંકી જાહેર કરાયેલા રિંડાનું નવેમ્બરમાં પાકિસ્તાનના લાહોરની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. થોડા દિવસો પહેલા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓના પુનઃ ઉદભવ અંગે ચર્ચા કરવા માટે ગુપ્તચર એજન્સીઓ અને NIAના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગયા મહિનાની શરૂઆતમાં, એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુપ્તચર દસ્તાવેજોથી જાણવા મળ્યું હતું કે, આતંકવાદી રિંડા હજુ પણ જીવિત છે. તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. તેની પાછળની તેની વ્યૂહરચના ભારતીય એજન્સીઓને ગુમરાહ કરવાની હતી.
સૂત્રોએ જણાવ્યું કે, આ મીટિંગમાં ગુપ્તચર એજન્સીઓએ રિંડા સાથે જોડાયેલી માહિતીઓ પર ચર્ચા કરી હતી. ઉપરાંત, અધિકારીઓએ જેલોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરવા માટે પગલા લેવા અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં જેલ અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ અને મોટા ગુનેગારો સાથે વીડિયો કોન્ફરન્સિંગના કેટલાક સૂચનોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, જેલોમાં સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવા ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની જેલોમાં રહેલા ખતરનાક ગેંગસ્ટરોને તેમની ગતિવિધિઓ પર અંકુશ લગાવવા દક્ષિણના રાજ્યોમાં શિફ્ટ કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના અધિકારીઓએ તપાસ એજન્સીઓને ભયાનક ગેંગસ્ટર વિદેશમાં રહેતા હોય તેની યાદી તૈયાર કરવા કહ્યું છે. જેમને ડેઝિગ્નેટેડ ટેરરિસ્ટ જાહેર કરી શકાય અને તેમને ભારત લાવવાની પ્રક્રિયા ઝડપી થઈ શકે.
સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ કહ્યું કે તેઓ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારના પ્રત્યાર્પણ માટે સંબંધિત તપાસ એજન્સીઓના સંપર્કમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, NIAએ મીટિંગમાં એવી પણ માહિતી આપી હતી કે, તેઓ અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય પોલીસ સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. જેથી દેશને નુકસાન પહોંચાડનારા આતંકવાદી નેટવર્કને તોડવા માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં, એવી પણ માહિતી આપવામાં આવી હતી કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાન સરહદે પંજાબના કેટલાક વિસ્તારોમાં 11 ક્વોડ-કોપ્ટર ડ્રોન સહિત 22 માનવરહિત એરિયલ વ્હિકલ (UAV)ને તોડી પાડ્યા હતા. આટલું જ નહીં BSFએ ગયા વર્ષે 317 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. સૂત્રએ એમ પણ કહ્યું કે તેઓએ BSFએ લીધેલા સુરક્ષા પગલાં, ખાસ કરીને ડ્રોનને શોધવા માટે ઉપયોગમાં લેવાતા ટેકનીકલ દેખરેખ(Technical Surveillance)ની ચર્ચા કરી હતી.
પંડિલ્લી પોલીસે મૂસાવાલાની હત્યાના તપાસમાં જાણવા મળ્યું હતું કે પંજાબી ગાયક મૂસાવાલાની હત્યાના કથિત મુખ્ય શૂટર પ્રિયવ્રત ઉર્ફે ફૌજીને શસ્ત્રોનો એક કન્સાઇનમેન્ટ મળી હતી, જે કથિત રીતે ડ્રોનથી પાકિસ્તાનથી મોકલવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, મુસેવાલા શૂટ કરવામાં નિષ્ફળ જાય તો બેક અપ માટે યોજના પણ બનાવવામાં આવી હતી, આ બેક અપ પ્લાન માટે કન્સાઇનમેન્ટમાં આઠ ગ્રેનેડ, એક અંડર-બેરલ ગ્રેનેડ લોન્ચર, નવ ઇલેક્ટ્રિક ડેટોનેટર અને એક AK-47નો પણ સમાવેશ થાય છે.