ભારતીય નૌકાદળ (Indian Navy)ના યુદ્ધ જહાજ INS રણવીર (INS Ranvir)ના આંતરિક કમ્પાર્ટમેન્ટમાં મંગળવારે થયેલા વિસ્ફોટમાં નૌકાદળના 3 જવાનોએ જીવ ગુમાવ્યો, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. સીએનએન ન્યૂઝ 18 દ્વારા મળતી જાણકારી મુજબ આ વિસ્ફોટ એસી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લીક થવાના કારણે થયો હતો. વિસ્ફોટના સમયે આંતરિક ડબ્બામાં કોઈ હાજર નહતું. ત્રણ ખલાસીઓ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો તે ડબ્બાની ઉપરના ફ્લોર પર હતા. સુત્રોએ કહ્યું કે વિસ્ફોટને કારણે ઘણો કાટમાળ પડી ગયો હતો અને ડેક પરના ત્રણ ખલાસીઓ તેની નીચે ફસાઈ ગયા હતા.
સુત્રોએ CNN ન્યૂઝ 18ને જણાવ્યું કે વિસ્ફોટનો દારૂગોળા સાથે કોઈ સંબંધ નથી. આઈએનએસ રણવીર અહીં લાંબા સમયથી હતું, કારણ કે તે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ તરફથી સીમા પાર ઓપરેશનલ તૈનાતી માટે આવ્યું હતું. વિસ્ફોટ બાદ કેટલાક લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા દોડતા જમીન પર પડી ગયા હતા. કેટલાકને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે.
ત્યારે એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે અમે ઘટનાને નજીકથી જોઈ રહ્યા છીએ, એક યુદ્ધ જહાજ પર ઘણા ઓપરેશનલ મુદ્દાઓ હોય છે. એર કન્ડીશનીંગ ગેસ, દારૂગોળો અને પાણી સપ્લાય કરતી કેટલીક લાઈનો જહાજની સમાંતર ચાલે છે. અન્ય વાહનોથી વિપરીત, યુદ્ધ જહાજો ઓપરેશન દરમિયાન બંધ કરી શકાતા નથી. અમે આ તમામ ઓપરેશનલ બાબતોને જોઈ રહ્યા છીએ. ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
INS રણવીરને ટૂંક સમયમાં જ પૂર્વીય નૌકાદળ કમાન્ડમાં પરત ફરવાનું હતું. ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ માટે એક બોર્ડ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે INS રણવીર એક યુદ્ધ જહાજ છે અને તે ભારતીય નૌકાદળના રાજપૂત વર્ગના 5 વિનાશક જહાજોમાંથી ચોથું છે. તેને ઓક્ટોબર 1986માં નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું.