
દેશમાં હાલ સંપૂર્ણ રીતે ચોમાસુ (Monsoon) સક્રિય છે અને ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક સ્ટેટ અને નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. રોડ રસ્તાની સાથે રેલવે ટ્રેક પણ જળ ભરાવની સ્થિતિ સામે આવી છે. કેટલીક જગ્યાએ તો આખાને આખા રેલવે (Indian Railway) ટ્રેક જ ધોવાઈ ગયા છે. તેના લીધે 7 થી 15 જુલાઈ સુધી 300થી વધુ મેલ, એક્સપ્રેસ ટ્રેન અને 406 પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે.
રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રેક પર પાણી ભરાવાને કારણે 600થી વધુ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમજ 500 પેસેન્જર ટ્રેનની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં શનિવારથી ત્રણ દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદના પગલે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે. ઘણા શહેરોમાં આવશ્યક સેવાઓ પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે. અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર રેલવે વિભાગ દ્વારા અંદાજીત 300 મેલ અને એક્સપ્રેસ ટ્રેન રદ કરી છે. લગભગ 100 ટ્રેનને રસ્તા પર અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને 191 અન્ય ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ સાથે જ 67 ટ્રેન નિર્ધારિત સ્થળને બદલે અન્ય જગ્યાએથી શરૂ કરવામાં આવી હતી.
મુસાફરોની મદદ માટે તમામ મોટા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. રેલવે દ્વારા રદ કરાયેલી ટ્રેનોની જાહેરાત પણ બધા જ સ્ટેશનો પર કરવામાં આવી રહી છે, જ્યાંથી તે ટ્રેન ઉપડે છે અથવા તો પસાર થવાની છે. રેલવે દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જે અનુસાર પ્રવાસીઓને ટિકિટ અંગેની માહિતી અને રિફંડ આપવા માટે ઉત્તર રેલવેમાં વિવિધ સ્થળોએ નિયમિતની સાથે વધારાના કાઉન્ટર શરૂ કર્યા છે.
આ પણ વાંચો : Bihar: પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ઘાયલ થયેલા જિલ્લા મહામંત્રીનું થયું મોત
આ સાથે જ યાત્રીકો માટે ખાદ્ય પદાર્થોના પુરવઠામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અસરગ્રસ્ત મુસાફરોને રોડ દ્વારા તેમના ગંતવ્ય સ્ટેશન સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.