
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક નિવેદનથી પાકિસ્તાનમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેમના નિવેદન બાદ પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPRએ ભારતને નિશાન બનાવી પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ કરતી ચેતવણીસભર પ્રતિક્રિયા આપી છે. જોકે, વિશ્લેષકો આ નિવેદનને માત્ર ખોખલી ધમકી તરીકે જોઈ રહ્યા છે.
નવી દિલ્હીમાં આયોજિત એક ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પૂછવામાં આવ્યું હતું કે જો “ઓપરેશન સિંદૂર” જેવી પરિસ્થિતિ ફરી ઊભી થાય તો ભારતીય સેના કેવી રીતે જવાબ આપશે. તેના જવાબમાં તેમણે પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, “પાકિસ્તાને હવે નક્કી કરવું પડશે કે તે ભૂગોળનો ભાગ બનીને રહેવા માંગે છે કે પછી ઇતિહાસનો ભાગ બનવા તૈયાર છે.”
જનરલ દ્વિવેદીના આ નિવેદન બાદ પાકિસ્તાની સેના સ્પષ્ટપણે ઉશ્કેરાઈ ગઈ હતી. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ISPRએ રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું, જેમાં ભારત પર “ઉશ્કેરણીજનક ભાષા” વાપરવાનો આરોપ લગાવવામાં આવ્યો. સાથે જ દક્ષિણ એશિયામાં તણાવ વધે તો તેના “વિનાશક પરિણામો” આવી શકે એવી ચેતવણી પણ આપવામાં આવી.
ISPRએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાન માત્ર દક્ષિણ એશિયાનો જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ દેશ છે. નિવેદનમાં પાકિસ્તાનને “જાહેર કરાયેલ પરમાણુ શક્તિ” તરીકે રજૂ કરતાં કહેવામાં આવ્યું કે દેશને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.
પાકિસ્તાની સેનાએ વધુમાં દાવો કર્યો કે ભારત તરફથી આવી પ્રકારની ટિપ્પણીઓ જ પ્રદેશમાં અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને જન્મ આપે છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે જો પાકિસ્તાન પર કોઈ હુમલો થશે તો તેનો જવાબ “પરસ્પર અને વ્યાપક” હશે.
આ નિવેદનમાં પરમાણુ શસ્ત્રોનો સંદર્ભ આપીને પાકિસ્તાને પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર લાંબા સમયથી આતંકવાદને આશરો આપવાના આરોપો લાગતા રહ્યા છે. આવી સ્થિતિમાં ISPRનું નિવેદન ઘણા લોકો માટે માત્ર રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યું છે.
ભારતીય સેના પ્રમુખના નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો વાકયુદ્ધ ફરી તેજ બન્યું છે. જોકે, ભારત તરફથી અત્યાર સુધી પાકિસ્તાની નિવેદન પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે નવી સિસ્ટમ લાગુ કરશે ઈરાન
Published On - 3:55 pm, Sun, 17 May 26