ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર થઈ શકે છે. આ અંતર્ગત ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ 9A (MQ 9A) મળવા જઈ રહ્યા છે. આ અમેરિકન ડ્રોન વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન કહેવાય છે. તેના આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે, જેના કારણે ચીનની ગતિવિધિઓ પર અંકુશ લગાવી શકાશે.
ભારતીય નૌકાદળ પહેલાથી જ દરિયાઈ દેખરેખ માટે યુએસ પાસેથી લીઝ પર જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત બે સી ગાર્ડિયન (MQ 9B) ડ્રોન લઈ ચૂકી છે. હવે 18 સશસ્ત્ર ડ્રોન હસ્તગત કર્યા પછી, તેમને એપ્રિલમાં કારવાર નેવલ બેઝ ખાતે સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સમાં રાખવામાં આવશે, જેમાં ત્રણેય દળો(નેવી, થલ, વાયુ)ને 6-6 ડ્રોન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનને સંબોધિત કરવાના છે. પ્રથમ પરિષદ માર્ચમાં યોજાવાની હતી પરંતુ તેને એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
નેવીએ અગાઉ 30 ડ્રોનની જરૂરિયાત જણાવી હતી, જેના માટે 3 બિલિયન ડોલરનો ખર્ચ અંદાજીત કરવામાં આવ્યો હતો. જો કે, ચીફ ઓફ સ્ટાફ કમિટીની સમીક્ષા બાદ તેની સંખ્યા ઘટાડી 18 કરવામાં આવી છે.
આ પણ વાચો: ચીનની દરેક ચાલ પર રાખશે ચાંપતી નજર, 850 નેનો ડ્રોનથી સેના દુશ્મનને કરશે પરાસ્ત
3-4 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ યુએસ પ્રવાસ પર હતા, જ્યાં ભારતીય દૂતાવાસે યુએસ વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તેમાં જનરલ એટોમિક્સના ચેરમેન નીલ બ્લુ અને કંપનીના સીઈઓ ડો. વિવેક લાલ અને અન્ય ટોચના સીઈઓએ હાજરી આપી હતી. ડોભાલની આ મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસે ભારત સાથે ઉચ્ચ ટેકનોલોજી ભાગીદારીની જાહેરાત કરી હતી.
ભારતના પાડોશી ચીન અને પાકિસ્તાન બંને પાસે સશસ્ત્ર ડ્રોન છે, તેથી ભારતીય સેનાને સશસ્ત્ર ડ્રોનની જરૂર છે. ભારતે ગુજરાતમાં જોઈન્ટ સાહસ હેઠળ ઇઝરાયેલની મદદથી રિકોનેસન્સ અને સર્વેલન્સ ડ્રોન્સ (MALE) બનાવવાની ક્ષમતા મળી છે.
ભારત પાસે હાલમાં બે સી ગાર્ડિયન ડ્રોનની લીઝ છે, જે આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થવા જઈ રહી છે. જો કે તેમાં વધારો થવાની સંભાવના છે. ભારતીય નૌકાદળે ચીન દ્વારા કરવામાં આવેલી લશ્કરી તૈયારીઓને સમજવા માટે ચીન સાથેની સમગ્ર 3,044 કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને સ્કેન કરવા માટે સી ગાર્ડિયન ડ્રોન અને બોઇંગ P8I મલ્ટિ-મિશન એરક્રાફ્ટનો પણ ઉપયોગ કર્યો હતો.
પ્રિડેટર સશસ્ત્ર ડ્રોન 24 કલાક સુધી 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. આ હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનનો નાશ કરી શકે છે.