ગંગા જળ સમજૂતીથી શેખ હસીનાના પ્રત્યાર્પણ સુધી, બાંગ્લાદેશ મુદ્દે ભારતી વિદેશ મંત્રાલયે આપ્યો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ

ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ગંગા જળ વહેંચણી સંધિ અંગે ખૂબ જ સંતુલિત પ્રતિક્રિયા આપી હતી. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શેખ હસીનાના પ્રત્યાર્પણના મુદ્દા પર પણ વાત કરી હતી. વધુમાં, તેમણે બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.

ગંગા જળ સમજૂતીથી શેખ હસીનાના પ્રત્યાર્પણ સુધી, બાંગ્લાદેશ મુદ્દે ભારતી વિદેશ મંત્રાલયે આપ્યો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ
| Updated on: Nov 20, 2026 | 9:37 PM

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા, રાજકીય ઉથલપાથલ અને ભારત સાથેના સંબંધોને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરવાનું ટાળવાની સાથે ભારતે ગંગા જળ વહેંચણી સંધિ અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશને લગતા વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા, જોકે મોટાભાગના મુદ્દાઓ પર તેમણે સાવધાનીભર્યું વલણ અપનાવ્યું હતું.

બાંગ્લાદેશની હિંસા અને રાજકીય આરોપો પર ભારતનું વલણ

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને એવો આરોપ લગાવ્યો હતો કે અવામી લીગ સરહદ પાર બેઠેલા પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે હિંસા કરી રહી છે. આ નિવેદન અંગે ભારતીય વિદેશ મંત્રાલયને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશના આંતરિક રાજકીય ઘટનાક્રમ પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે જણાવ્યું કે ભારતનું વલણ પહેલાની જેમ જ યથાવત છે. ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધો જાળવી રાખવા ઇચ્છે છે. બંને દેશોના સહિયારા ઇતિહાસ અને લોકોના સમાન સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત સંબંધો જાળવવા ભારત પ્રતિબદ્ધ છે. જોકે, બાંગ્લાદેશના આંતરિક ઘટનાક્રમ અંગે તેમની પાસે કોઈ ટિપ્પણી નથી.

ગંગા જળ વહેંચણી સમજૂતી પર શું કહ્યું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળની વહેંચણી માટે થયેલી સમજૂતી 12 ડિસેમ્બરે પૂર્ણ થવાની છે. આ સંધિના ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતાં વિદેશ મંત્રાલયે ‘સંયુક્ત નદી આયોગ’નો ઉલ્લેખ કર્યો હતો.

રણધીર જયસ્વાલે જણાવ્યું કે સંયુક્ત નદી આયોગ બંને દેશો વચ્ચેનું સ્થાપિત દ્વિપક્ષીય માળખું છે. આ આયોગનું કામ બંને દેશોમાંથી પસાર થતી નદીઓના જળની વહેંચણી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું છે. ભારત પોતાના હિતોનું રક્ષણ કરવાની સાથે બાંગ્લાદેશ સાથે સકારાત્મક અને ભવિષ્યલક્ષી સંબંધો જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.

21 નવેમ્બરની બેઠક અંગે પણ કોઈ નવી માહિતી નહીં

21 નવેમ્બરથી ઢાકામાં ભારત અને બાંગ્લાદેશના અધિકારીઓ વચ્ચે શરૂ થનારી બેઠક અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ બેઠક ટેકનિકલ સ્તરની હશે કે નહીં તે અંગે જયસ્વાલે કહ્યું કે તેમની પાસે હાલમાં કોઈ નવી માહિતી નથી. આ ઉપરાંત, બંને દેશોના વડાપ્રધાનો દ્વારા 1996માં હસ્તાક્ષર કરાયેલી ગંગા જળ વહેંચણી સમજૂતીને ઉચ્ચ સ્તરીય ભાગીદારી વિના વચગાળાની વ્યવસ્થા તરીકે આગળ વધારી શકાય કે કેમ તે અંગે પણ તેમણે કોઈ ટિપ્પણી કરી નહોતી.

શેખ હસીનાના પ્રત્યાર્પણ પર પણ ટિપ્પણી ટાળી

બાંગ્લાદેશના સત્તા પરથી હટાવવામાં આવેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે પણ વિદેશ મંત્રાલયને સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પણ રણધીર જયસ્વાલે કોઈ નવી માહિતી નહીં હોવાનું જણાવ્યું હતું. આમ, બાંગ્લાદેશની આંતરિક હિંસા, રાજકીય આરોપો, ગંગા જળ સમજૂતી અને શેખ હસીનાના પ્રત્યાર્પણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ભારતે સાવધાનીપૂર્વક પોતાનું વલણ રજૂ કર્યું છે.

કોકેઈનનો નશો, નાની યુવતી સાથે લગ્ન,…. ધૂરંધરમાં બતાવ્યો તેના કરતા તો ક્યાંય લેવિશ લાઈફ જીવે છે દાઉદ, FBI ના પૂર્વ એજન્ટનો દાવો

Follow Us
Loading...
Unable to load recommendations.