ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના મિશન કાશ્મીર પર, ચૂંટણીથી લઈને સુરક્ષા સમીક્ષા સુધી ઘણી રીતે મહત્વપૂર્ણ આ મુલાકાત

|

Oct 03, 2022 | 11:40 PM

ગૃહપ્રધાન મંગળવારે સાંજે કાશ્મીર જવા રવાના થશે જ્યાં તેઓ બુધવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરશે. અમિત શાહની આ બંને રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે.

ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના મિશન કાશ્મીર પર, ચૂંટણીથી લઈને સુરક્ષા સમીક્ષા સુધી ઘણી રીતે મહત્વપૂર્ણ આ મુલાકાત
ગૃહપ્રધાન અમિત શાહ
Image Credit source: PTI

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ત્રણ દિવસના જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પ્રવાસે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમિત શાહની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં અમિત શાહ બે રેલીઓને સંબોધિત કરવાના છે. તેઓ મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લામાં એક રેલી અને બુધવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બીજી રેલીને સંબોધિત કરશે. અમિત શાહ માતા વૈષ્ણો દેવીની પણ મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ નવરાત્રીના છેલ્લા દિવસે મંગળવારે પ્રાર્થના કરશે. આ પછી તેઓ રાજૌરીમાં આયોજિત રેલીને સંબોધિત કરવા રવાના થશે.

અધિકારીઓએ જણાવ્યું કે શાહ ગુર્જર અને બકરવાલ સહિત અનેક પ્રતિનિધિમંડળોને મળવાની સંભાવના છે. આ સિવાય તેઓ અહીં પહોંચ્યા બાદ તરત જ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે. રાજૌરીથી પરત ફર્યા બાદ તેઓ જમ્મુ ક્ષેત્રમાં કેટલીક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગૃહપ્રધાન મંગળવારે સાંજે કાશ્મીર જવા રવાના થશે જ્યાં તેઓ બુધવારે બારામુલ્લામાં એક રેલીને સંબોધિત કરશે. અમિત શાહની આ બંને રેલી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ દરમિયાન તેઓ પહાડી લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે. આ પગલાને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનું ચૂંટણી વજન વધારવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.

મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા પણ ચાલી રહી છે

અમિત શાહની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે હાલમાં જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં 20-25 લાખ નવા મતદારો ઉમેરાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સંભાવના છે.

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા

અમિત શાહની આ મુલાકાત રાજ્યની સુરક્ષાની સ્થિતિના સંદર્ભમાં પણ ઘણી ખાસ માનવામાં આવી રહી છે. તેઓ 5 ઓક્ટોબરે શ્રીનગરમાં રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે બેઠક કરશે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. તેમની મુલાકાત પહેલા રાજ્યમાં એક પછી એક હુમલાને જોતા સુરક્ષા સ્થિતિની સમીક્ષા વધુ મહત્વની બની ગઈ છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ ખુલાસો કર્યો હતો કે ઉધમપુરમાં બ્લાસ્ટનો હેતુ એક હાઈપ્રોફાઈલ નેતાને નિશાન બનાવવાનો હતો.

Next Article