શું રાજધાની દિલ્લી ખરેખર પૂરની ઝપેટમાં આવશે ? દિલ્લીવાસીઓના દિલમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે યમુનાને અડીને આવેલા વિસ્તારો હાલમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે અને સ્થિતિ હવે સુધરી રહી હોય તેવું લાગતું નથી. રાજધાનીની આ સ્થિતિનું એક કારણ હથિનીકુંડ બેરેજ છે, જેના દરવાજા જ્યારે પણ ખુલે છે ત્યારે દિલ્લીના લોકોના હૃદયના ધબકારા વધી જાય છે. છેલ્લા એક સપ્તાહમાં પહાડોથી મેદાની વિસ્તારોમાં જે પ્રકારનો વરસાદ પડ્યો છે, તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પહાડોમાં તબાહીનું દ્રશ્ય જોવા મળે તો દિલ્લીના રસ્તાઓ ભરાઈ જાય છે. સવાલ એ પણ છે કે જ્યારે દિલ્લીમાં બે દિવસથી વરસાદ નથી પડતો તો દિલ્લીમાં પૂર કેમ આવ્યું છે. આનો જવાબ પણ છે હથિનીકુંડ, સમજો શું છે આ બેરેજ અને તેની દિલ્લી પર કેવી અસર…
દિલ્લીમાં જ્યારે પણ યમુનાનું જળસ્તર વધે છે ત્યારે હથિનીકુંડ બેરેજનું નામ વારંવાર સાંભળવા મળે છે. ગુરુવારે (13 જુલાઈ) યમુનાનું જળસ્તર 208.46 મીટર થઈ ગયું છે, જે છેલ્લા પાંચ દાયકામાં સૌથી વધુ છે. જેના કારણે યમુના નદીકાઠાને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, 16 હજારથી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું સાચું કારણ વરસાદ નહીં પણ હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલ પાણી છે.
હથિનીકુંડમાંથી સામાન્ય દિવસોમાં એટલે કે ચોમાસા સિવાયના સમયમાં લગભગ 350 થી 400 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. પરંતુ જ્યારે પર્વતીય ક્ષેત્રમાં વરસાદ પડ્યો ત્યારે હથિનીકુંડમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે 11 જુલાઈના રોજ આ બેરેજમાંથી 3.59 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, પાણીની આ ગતિ બે કલાક સુધી ચાલુ રહી. હથિનીકુંડ અને દિલ્હી વચ્ચેનું અંતર લગભગ 150 કિલોમીટર છે. આવી સ્થિતિમાં, 11મીએ છોડવામાં આવેલા પાણીની અસર 12મી જુલાઈથી દેખાવાનું શરૂ થયું અને યમુનાનું જળસ્તર 208 મીટરના આંકડાને પાર કરી ગયું, જેણે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો.
આટલું પાણી આવ્યા પછી જ યમુના નદીકાંઠાને અડીને આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જોકે, હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે હથિનીકુંડનો પ્રવાહ ઘણો ઓછો થઈ ગયો છે, જેના કારણે દિલ્હીમાં પૂરનો ખતરો ટળી શકે છે. 12 જુલાઈથી હથિનીકુંડમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે 11 જુલાઈના આંકડા કરતાં લગભગ અડધું છે. હથિનીકુંડમાંથી છોડવામાં આવેલા પાણીને દિલ્લીના જૂના રેલવે બ્રિજ સુધી પહોંચવામાં 30 થી 48 કલાકનો સમય લાગે છે, તેથી આગામી બે દિવસમાં યમુનાના જળ સ્તરમાં ઘટાડો થવાની આશંકા છે.
પર્વતીય ક્ષેત્રમાં સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, વરસાદે પહાડોમાં તબાહી સર્જી છે પરંતુ મેદાની વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. પર્વતનું પાણી યમુનામાં આવી રહ્યું છે, જે હથિનીકુંડ બેરેજમાંથી દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી જાય છે. નોંધનીય બાબત એ છે કે હથિનીકુંડ ડેમ નથી, બેરેજ છે. એટલે કે અહીં પાણી રોકવાની કોઈ વ્યવસ્થા નથી, પરંતુ પાણીનો પ્રવાહ નક્કી કરવાની સુવિધા છે.
એટલે કે, પહાડોમાંથી આવતું પાણી શહેરી વિસ્તારોમાં વહેતી યમુનામાં કેટલી ઝડપે જશે તે હથિનીકુંડ બેરેજ દ્વારા નક્કી કરવામાં આવે છે. અહીં પાણીનો પ્રવાહ જોઈને દરવાજા ખોલવામાં આવે છે, જેથી યમુનામાં પાણીનું સ્તર સામાન્ય રાખી શકાય. કારણ કે હવે પર્વત પરથી ઘણું પાણી આવી રહ્યું છે, આવી સ્થિતિમાં અહીં પ્રવાહ પણ ઝડપથી વધી રહ્યો છે. જો હથિનીકુંડ બેરેજ પરના દરવાજા ખોલવામાં ન આવે તો પાણી બેરેજ ઉપરથી વહેવા લાગે.
આ બેરેજ હરિયાણાના યમુનાનગર જિલ્લામાં હથિનીકુંડ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે, જે બે દાયકા પહેલા બનાવવામાં આવ્યો હતો. અગાઉ અહીં તાજેવાલા બેરેજ હતો, પરંતુ જરૂરિયાત જોઈને તેને બદલીને હથિનીકુંડ ખાતે બેરેજ બનાવવામાં આવ્યો. તેનું બાંધકામ ઓક્ટોબર 1996માં શરૂ થયું હતું અને તે 1999માં પૂર્ણ થયું હતું, જ્યારે હરિયાણાના મુખ્યમંત્રી બંસીલાલે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.
આશરે રૂ. 168 કરોડના બજેટથી બનેલા આ બેરેજની ઊંચાઈ 360 મીટર છે, તેમાં મુખ્યત્વે 10 દરવાજા છે. જો કે 8 અન્ય દરવાજા પણ ઉમેરવામાં આવ્યા છે, હથિનીકુંડ બેરેજમાં 10 લાખ ક્યુસેક પાણી રાખવાની ક્ષમતા છે. પહાડોમાંથી આવતા પાણીને હથિનીકુંડ બેરેજ પર રોકવામાં આવે છે, જે યમુનાનગર, પાણીપત થઈને દિલ્હી પહોંચે છે અને પછી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાય છે.
આ વિસ્તારમાં બેરેજ બનાવવાનો મુખ્ય હેતુ ખેતી છે, હથીનીકુંડમાંથી બે નહેરો નીકળે છે જે વિવિધ વિસ્તારોમાં જાય છે. હથિનીકુંડ બેરેજનો મુખ્ય હેતુ આસપાસના ગામોને પૂરથી બચાવવા અને ખેતી માટે પાણી પૂરું પાડવાનો છે.