
ઇન્ડિગો એરલાઈન્સની દેશવ્યાપી કટોકટી બાદ, દેશની અન્ય એરલાઇન્સે રેકોર્ડ ભાડામાં તોતીગ વધારો કરી નાખ્યો છે. કેટલીક એરલાઈન્સે ભાડા વધારાની જાહેરાત પણ કરી છે. આફતમાં કમાવવાનો અવસર શોધતી એરલાઈન્સને કારણે, પહેલાથી જ ઈન્ડિગોને કારણે પરેશાન મુસાફરોમાં ગભરાટ ફેલાયો છે. ઉડ્ડયન મંત્રાલયે હવે અચાનક હવાઈ ભાડામાં થયેલા વધારા પર કડક વલણ અપનાવ્યું છે. વધેલા ભાડા અંગે કેટલીક એરલાઇન્સને ગંભીર નોટિસ ફટકારવામાં આવી છે.
વધુમાં, ઉડ્ડયન મંત્રાલયે, મુસાફરોને મોંઘા ભાડા ચૂકવવા ના પડે તે માટે ભાડા મર્યાદા લાગુ કરી છે. બધી એરલાઇન્સે નવી ભાડા મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે, અને પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી આ નિયમો અમલમાં રહેશે.
ઈન્ડિગો એરલાઈન્સની કટોકટી દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે વાસ્તવિક સમયમાં હવાઈ ભાડા પર નજર રાખવા અને આ નિયમોનું ઉલ્લંઘન કરતી એરલાઇન્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આ પગલા બાદ, એવી આશા છે કે ઈન્ડિગોની કટોકટીને પગલે, એકાએક અસહ્ય રીતે વધી ગયેલા હવાઈ ભાડા બાદ સરકારે ઉઠાવેલા દંડાને કારણે હવાઈ ટિકિટના ભાવ ઘટશે.
ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ થયા પછી, અન્ય એરલાઇન્સના ભાડા આસમાને પહોંચી ગયા છે. દાખલા તરીકે જોઈએ તો, દિલ્હીથી મુંબઈનું ભાડું, જે સામાન્ય દિવસોમાં 6,000 રૂપિયા હોય છે, તે ઈન્ડિગોને કારણે લગભગ 70,000 રૂપિયા સુધી પહોંચ્યું છે. દિલ્હીથી પટનાનું ભાડું, જે સામાન્ય દિવસોમાં રૂપિયા 5,000 લેવાતું હોય છે, તેઈન્ડિગો એરલાઈન્સની કટોકટીને કારણે 60,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. દિલ્હીથી બેંગલુરુનું ભાડું, જે સામાન્ય સંજોગોમાં રૂપિયા 7,000 હોય છે, તે 1 લાખ રૂપિયાથી વધુ લેવાઈ રહ્યું છે. વધુમાં, દિલ્હીથી ચેન્નાઈનું ભાડું 90,000 રૂપિયા છે, અને દિલ્હીથી કોલકાતાનું ભાડું લગભગ 68,000 રૂપિયા વસૂલવામાં આવે છે.
આજે પણ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. શનિવારે દિલ્હીથી નિર્ધારિત 86 ઇન્ડિગો ફ્લાઇટ્સ આજે રદ કરવામાં આવી છે. જેમાં 37 દિલ્હીથી અન્યક્ષ જતી અને 49 દેશના વિભિન્ન શહેરથી દિલ્હી આવતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આજે મુંબઈ એરપોર્ટથી 109 ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 51 આગમન અને 58 પ્રસ્થાનનો સમાવેશ થાય છે. અમદાવાદમાં, 19 ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 7 આવનારી અને 12 જતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. તિરુવનંતપુરમમાં 6 ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Indigo Airlines crisis: મુસાફરોની મદદે આવ્યું ભારતીય રેલવે, પશ્ચિમ રેલવેએ વધારી સુવિધા, દોડાવી ખાસ ટ્રેન