3 ઓક્ટોબર 2021 ના રોજ ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા “સ્કીમ ફોર ગુડ સમરિટન” શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત, એવા નાગરિકોને પુરસ્કાર આપવામાં આવે છે કે, જેમણે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને તરત જ સહાય કરી હોય અને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ અથવા ટ્રોમા સેન્ટર સુધી તરત પહોંચાડીને સમયસર સારવાર અપાવી હોય.
યોજના મુજબ, જો કોઈ નાગરિક અકસ્માત બાદ પીડિતને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર સુધી પહોંચાડે છે અને તેનો જીવ બચાવવામાં મદદ કરે છે, તો તેને પ્રતિ ઘટના ₹5000 નું ઇનામ આપવામાં આવે છે. જણાવી દઈએ કે, આ યોજના 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને કટોકટીની પરિસ્થિતિઓમાં માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરવા અને અન્ય લોકોને નિર્દોષ જીવ બચાવવા માટે પ્રેરણા આપવાનો છે.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મદદ કરનાર વ્યક્તિએ જો પોલીસને માહિતી આપી હોય અથવા પીડિતને હોસ્પિટલ પહોંચાડ્યો હોય, તો તેના પર કોઈ પણ પ્રકારની પૂછપરછ કે કાયદાકીય ફરજદારી લાદવામાં નહીં આવે. મદદ કર્યા પછી તેને તરત જ ત્યાંથી જવાની છૂટ આપવામાં આવશે.
કેસ 01:
જો ગુડ સમરિટન દ્વારા અકસ્માત અંગેની પ્રથમ જાણ પોલીસને કરવામાં આવે છે, તો ડોક્ટરની તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ પોલીસ તેને સત્તાવાર લેટરપેડ પર સ્વીકૃતિ આપશે. આ પત્રમાં ગુડ સમરિટનનું નામ, મોબાઇલ નંબર અને સરનામું, ઘટનાનું સ્થળ, તારીખ અને સમય તથા ગુડ સમરિટને પીડિતને કેવી રીતે બચાવવામાં મદદ કરી તેને લગતી વિગતો આપેલી હશે.
કેસ 02:
જો ગુડ સમરિટન પીડિતને પહેલા હોસ્પિટલ લઇ જાય છે, તો હોસ્પિટલ આ બાબતની માહિતી નજીકના પોલીસ સ્ટેશનને આપશે. ત્યારબાદ પોલીસ ગુડ સમરિટનને સત્તાવાર લેટરપેડ પર એક સ્વીકૃતિ પત્ર આપશે, જેમાં તેનું નામ, મોબાઇલ નંબર, સરનામું, અકસ્માતનું સ્થળ, તારીખ અને સમય સાથે પીડિતને કેવી રીતે બચાવ્યો તેની માહિતી પૂછવામાં આવશે.
અરજી પ્રક્રિયાના પગલાં:
MoRTHની સમિતિ, જે માર્ગ સલામતી અને પરિવહન વિભાગના અધિકારીઓની આગેવાની હેઠળ હોય છે, તે રાજ્યોથી આવેલી તમામ અરજીઓની સમીક્ષા કરશે અને વર્ષના ટોપ 10 ગુડ સમરિટન પસંદ કરશે. તેમને દરેકને ₹1,00,000 રોકડ ઇનામ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવશે.