દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2025 ના રોજ PM-KISANનો 21 મો હપ્તો જાહેર કરવાના છે. આ દિવસે 2000 રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચશે. અત્યાર સુધી, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને 3.70 લાખ કરોડ રૂપિયા આપી ચૂકી છે. વિશ્વના કોઈ પણ બીજા દેશમાં આટલી મોટી DBT (Direct Benefit Transfer) થઈ નથી.
આ યોજનાની ખાસ વાત એ છે કે, ખેડૂતને મળતી રકમ સીધી તેમના આધાર-સીડેડ બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ પગલાએ ભ્રષ્ટાચારના તમામ રસ્તા બંધ કરી દીધા છે. પહેલા, ખેડૂતોને e-KYC માટે CSC સેન્ટર પર લાઇનમાં રાહ જોવી પડતી હતી. જો કે, હવે આ કામ મોબાઈલનો ઉપયોગ કરીને સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે.
નવી ફેશિયલ ઓથન્ટિકેશન ટેક્નોલોજીએ PM-KISAN યોજનાને એટલી સરળ બનાવી દીધી છે કે, ખેડૂતો હવે ગામમાં બેઠા-બેઠા પોતાની અને બીજાની e-KYC પણ કરી શકે છે. ‘OTP, બાયોમેટ્રિક અને ફેસ’ ત્રણેય રીતો ઉપલબ્ધ છે પરંતુ હાલ ‘ફેસ વેરિફિકેશન’ સૌથી વધુ લોકપ્રિય ઓપ્શન છે.
સરકારે ખેડૂતોને મોબાઈલ પર જ તમામ સુવિધા ઉપલબ્ધ કરી દીધી છે. PM-KISAN એપ દ્વારા ખેડૂત પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે, KYC કરી શકે છે, પેમેન્ટ હિસ્ટરી જોઈ શકે છે અને ફરિયાદ પણ નોંધાવી શકે છે. વધુમાં હવે ખેડૂતને ન વેબસાઇટ ખોલવાની જરૂર છે, ન કોઈ ઓફિસની લાઈનમાં ઊભા રહેવાની જરૂર છે. બીજું કે, pmkisan.gov.in પર હવે નવું “Know Your Status” ફીચર પણ શરૂ થયું છે, જે એક ક્લિકમાં બતાવે છે કે, રૂપિયા આવી ગયા છે કે હજુ પણ અટવાયેલા છે.
આ યોજના ફક્ત લાભ આપવા વિશે નથી પરંતુ ટેકનોલોજી દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા વિશે પણ છે. સરકારે PM-KISAN યોજના માટે દેશનું પ્રથમ AI-આધારિત ચેટબોટ ‘Kisan-eMitra’ લોન્ચ કર્યું છે. આ ચેટબોટ ખેડૂતો સાથે 11 ભારતીય ભાષાઓમાં વાત કરે છે. ખાસ વાત એ છે કે, ચેટબોટ અવાજ દ્વારા ભાષા ઓળખે છે, કીબોર્ડ ટાઇપિંગ વિના બધું સમજે છે અને જો ખેડૂત યોજનાનું નામ ભૂલી જાય તો પણ તે આપમેળે ઓળખી કાઢે છે અને સાચો જવાબ આપે છે.
સરકારે આ સિવાય બીજું એક મોટું પગલું પણ હાથ ધર્યું છે, જેને ‘Farmer Registry’ કહેવામાં આવે છે. તે ખેડૂતોની જમીન, આધાર વિગતો, બેંક ખાતા અને પાત્રતા વિશેની માહિતીને એકીકૃત કરશે. આનો અર્થ એ છે કે, ખેડૂતોને હવે વિવિધ સરકારી યોજનાઓમાં વારંવાર તેમના દસ્તાવેજો સબમિટ કરવા પડશે નહીં. એકવાર નામ રજિસ્ટ્રીમાં ઉમેરાઈ જાય પછી દરેક યોજનાનો લાભ ખેડૂતોને મળશે.
વર્ષ 2019 ના IFPRI રિપોર્ટ અનુસાર, PM-KISAN ફંડથી ખેડૂતોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આનાથી ગ્રામીણ બજારોમાં નાણાંનો પ્રવાહ વધ્યો છે, જેના કારણે ખેડૂતો વધુ ખાતર અને બીજ ખરીદી શક્યા છે અને કૃષિ રોકાણમાં વધારો થયો છે. આ યોજના ફક્ત ₹2000 પૂરા પાડવા વિશે નથી પરંતુ ગ્રામ્ય અર્થવ્યવસ્થાને ગતિ આપતી એક ‘લાઇફલાઇન’ બની ગઈ છે.
આમ જોવા જઈએ તો, જેમ-જેમ તારીખ નજીક આવી રહી છે, દેશભરના ખેડૂત પરિવારો ફરી ઉત્સાહિત છે. રવિ સીઝનમાં આ ₹2000 ખેડૂતો માટે મોટી રાહત બનીને આવશે. દેશભરમાં ખાસ કેમ્પનું આયોજન કરીને સરકારે ખાતરી કરી છે કે, દરેક પાત્ર ખેડૂતનું e-KYC પૂર્ણ થાય અને કોઈનો હપ્તો અટકે નહીં.