વર્ષ 2021માં દેશના લોકોએ કોરોના વાઈરસની ખૂબ જ ભયંકર બીજી લહેરનો સામનો કર્યો, ત્યારે પીએમ મોદીએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વિના મૂલ્યે કોરોના વાઈરસ સામેની રસી આપશે. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર રાજ્યના ક્વોટાના 25 ટકા સહિત રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી ખરીદશે અને રાજ્ય સરકારોને મફતમાં આપશે. આ જાહેરાતને જીવલેણ વાઈરસ સામેની ભારતની લડાઈમાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવી હતી.
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોએ 2021માં NDA સરકાર માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. સૌપ્રથમ પંજાબમાં આ આંદોલન શરૂ થયુ હતુ અને વિરોધ ધીમે ધીમે હરિયાણા, ઉત્તર પ્રદેશના ભાગોમાં ફેલાઈ ગયુ હતું. સમગ્ર વર્ષ ચાલેલા આ વિરોધને સ્વતંત્ર ભારતમાં સૌથી લાંબુ કૃષિ આંદોલન કહેવામાં આવી રહ્યું છે.
સરકાર ખેડૂતોને સમજાવી શકી ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદા ખેડૂતોના હિતમાં છે અને પછી દેશના લોકોની માફી માગી હતી, તેમણે ઉમેર્યું હતું કે સરકાર સ્પષ્ટ હૃદય અને શુદ્ધ અંતરાત્માની હોવા છતાં ખેડૂતોના આ વર્ગને સમજાવી શકી નહીં.
ભાજપ સરકાર બીજી કોરોના લહેરને નિયંત્રિત ન કરી શકવા મામલે અને ખેડૂતોના વિરોધને લઈને વિપક્ષના રોષનો સામનો કરી રહી હતી, ત્યારે વડાપ્રધાન મોદીએ મોટો નિર્ણય લીધો. તેમણે ડૉ. હર્ષ વર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ નિશંક સહિતના ટોચના નેતાઓ અને મંત્રીઓને બરતરફ કર્યા. હર્ષ વર્ધને રાજીનામું આપ્યા પછી મનસુખ માંડવિયાને મહત્વપૂર્ણ આરોગ્ય મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફાર કર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું હતું. મોદી કેબિનેટમાંથી 12 જેટલા મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, જ્યારે 43 નવા મંત્રીઓએ શપથ લીધા હતા.
વર્ષ 2021માં સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો અને 1 ઓક્ટોબરથી ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)નું વિસર્જન કર્યું અને તેની સંપત્તિ, કર્મચારીઓ અને સંચાલનને સાત જાહેર ક્ષેત્રના એકમો (PSU)માં સ્થાનાંતરિત કર્યા. OFB સંરક્ષણ મંત્રાલયની સંસ્થા છે અને ત્રણ-સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોને મહત્વપૂર્ણ શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડે છે. આત્મનિર્ભર ભારત યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે કહ્યું કે તે ભારતમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો પણ પેદા કરશે.
આ પ્રસંગે સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે “આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશનું લક્ષ્ય ભારતને પોતાના દમ પર વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિ બનાવવાનું અને ભારતમાં આધુનિક લશ્કરી ઉદ્યોગનો વિકાસ કરવાનો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગવર્નન્સમાં એક નવા અધ્યાયની શરૂઆત કરતાં મલ્ટી-મોડલ કન્વેક્ટિવિટી માટે ગતિ શક્તિ – રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લોન્ચ કર્યો. ગતિ શક્તિ એક ડિજિટલ પ્લેટફોર્મ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણ માટે રેલવે અને રોડવેઝ સહિત 16 મંત્રાલયને એકસાથે લાવ્યુ.
દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન કાયદામાં સંશોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2020ના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે તેમના લગ્ન ઉચિત સમયે થાય.
ચૂંટણી કાયદા સંશોધન બિલ 2021 કેન્દ્રીય કેબિનેટમાં પાસ કરી દેવાયુ. બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે મતદાર યાદીમાં ડુપ્લીકેટ અને બોગસ મતદાન રોકવા માટે મતદાતા કાર્ડ અને યાદીને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે. નવી જોગવાઈ પ્રમાણે હવે આધાર અને વોટર આઈડી લિંક થવાથી ચૂંટણી કાયદા સંશોધન બિલ 2021ની મતદાતા યાદી તૈયાર કરનાર અધિકારીઓને હવે આધાર કાર્ડ માગવાનો અધિકાર હશે.
આ પણ વાંચોઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તડામાર તૈયારીઓ, અમદાવાદ એરપોર્ટ પર રોડ રીસરફેસિંગ કામ શરૂ