પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આ મામલે મોટું નિવેદન આપ્યું કે, પંજાબમાં જે રીતે અમૃતપાલ સિંહનો ઉદય થઈ રહ્યો છે, તેના પરથી લાગી રહ્યું છે કે આ રાજ્યમાં ખાલિસ્તાન ચળવળની શરૂઆત છે. અજનલામાં, તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યા પછી પરિસ્થિતિ વધુ વણસી હતી. નવાઈની વાત એ છે કે અમૃતપાલની માંગણી સામે પોલીસને પણ ઝુકવું પડ્યું હતું. તેમણે કહ્યું કે “જો (પંજાબ સરકાર) પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ નથી, તો કેન્દ્ર સરકારે રાજ્યનો હવાલો સંભાળવો પડશે.
કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, રોજ ડ્રોન પકડાઈ રહ્યા છે, મને લાગે છે કે કેન્દ્રએ તેની તપાસ કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે માન સરકાર કોઈ પણ પગલા ભરતા ડરે છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, અજનાલા પોલીસને કાર્યવાહી ન કરવાનો આદેશ મળ્યો હોવો જોઈએ.
પંજાબના પૂર્વ કેપ્ટને કહ્યું કે, કોઈ પણ સરકાર આ રીતે નથી ચાલતી, જે મુજબ આ સરકાર કામ કરી રહી છે. અજનાલામાં હિંસા થઈ રહી હતી, તે દિવસે ભગવત માન મુંબઈમાં અરવિંદ કેજરીવાલ સાથે બેઠા હતા. તેમણે કહ્યું કે પંજાબમાં જે પણ થઈ રહ્યું છે તેમાં તેમને રસ નથી. પોલીસ અધિકારીઓને અજનાલામાં કાર્યવાહી ન કરવા સૂચના આપવામાં આવી હશે. પૂર્વ સીએમએ કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ અને તેના સમર્થકોએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો ઢાલ તરીકે ઉપયોગ કરીને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. બાદમાં પોલીસે અમૃતપાલ સામે ઝુકવું પડ્યું અને પછી તેના સાથી તુફાન સિંહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો.
આશ્ચર્યની વાત એ છે કે, એક મહિના પૂર્વે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પંજાબમાં અમૃત પાલનુ કદ વધી રહ્યું છે અને સરકારી નેતૃત્વ અને પોલીસ પ્રશાસન વચ્ચે કમ્યુનિકેશન ગેપ છે, જેના કારણે પડકારો વધી રહ્યા છે. અને વધુ વધી શકે છે.