
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે તા. 09મી મે 2026 ના દિવસે નવી નોંધાયેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે પંજાબના ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરા અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે નવેસરથી દરોડા પાડ્યા. જેનાથી પંજાબમાં AAP સરકાર અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર વચ્ચે રાજકીય મુદ્દો વધુ તીવ્ર બન્યો છે.
ED ની ટીમો સવારે 7 વાગ્યાની આસપાસ ચંદીગઢના સેક્ટર 2માં અરોરાના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી અને 7.25 વાગ્યા પછી તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓ આશરે 20 વાહનોમાં પહોંચ્યા હતા. જ્યારે સુરક્ષા માટે લગભગ ત્રણ ડઝનથી પણ વધુ CIA અને સ્પેશિયલ ફોર્સિસના કર્મચારીઓ તૈનાત હતા. ચંદીગઢ ઉપરાંત દિલ્હીમાં 2 સ્થળોએ અને ગુરુગ્રામના ઉદ્યોગ વિહારમાં હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડમાં પણ દરોડા પાડવામાં આવ્યા.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની ફોજદારી જોગવાઈઓ હેઠળ નોંધાયેલા નવા કેસ બાદ આ તાજેતરની કાર્યવાહી કરવામાં આવી છે. ED એ આરોપ લગાવ્યો છે કે આ તપાસ રૂ. 100 કરોડથી વધુના મોબાઇલ ફોનની નકલી GST ખરીદી અને ત્યારબાદ દુબઈથી ભારતમાં ગેરકાયદેસર ભંડોળ રાઉન્ડ ટ્રીપ કરવા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી નિકાસ સાથે સંબંધિત છે. એજન્સીના જણાવ્યા અનુસાર, નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરવા માટે દિલ્હીમાં અસ્તિત્વમાં ન હોય તેવી કંપનીઓ પાસેથી નકલી GST ખરીદી બિલ મેળવવામાં આવ્યા હતા.
આ તાજી કાર્યવાહી પહેલાં 17 એપ્રિલે પણ EDએ Foreign Exchange Management Act (FEMA) હેઠળ સંજીવ અરોરા અને તેમની સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. તે તપાસ દરમિયાન હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ, સંજીવ અરોરા અને સંબંધિત સંસ્થાઓની લગભગ 157.12 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરવામાં આવી હતી. EDનો આરોપ હતો કે ખોટી વેચાણ અને નકલી એક્સપોર્ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી હતી.
EDએ હજુ સુધી સર્ચ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સંજીવ અરોરા હાલમાં ભગવંત સિંહ માનના (Bhagwant Mann) નેતૃત્વવાળી પંજાબ સરકારમાં વીજ અને ઉદ્યોગ મંત્રી તરીકે કાર્યરત છે. આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પણ ભાજપ પર EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો, INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!
Published On - 2:35 pm, Sat, 9 May 26