
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોડા ગામમાં થયેલા ગોળીબારના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલીગ્રામ ગર્ગની ધરપકડ કરી છે. તેમની સાથે અન્ય એક આરોપી અંકિત મિશ્રાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે બંનેની ધરપકડ એફઆઈઆરમાં નોંધાયેલા ગુનાના આધારે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં ત્રણ નામજોગ અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલ ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સતત દરોડા પાડી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સમગ્ર ઘટના જમીન સંબંધિત વિવાદને કારણે બની હતી. વિવાદ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. શરૂઆતમાં તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ હાલત ગંભીર બનતા તેને વધુ સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે ઘટનામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેસની તપાસ હજુ ચાલુ છે અને તપાસ દરમિયાન સામે આવતા પુરાવાઓના આધારે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર મામલે બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે શાલીગ્રામ ગર્ગના કૃત્ય સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે કાયદો પોતાનું કામ કરે અને જો કોઈ દોષિત હોય તો તેના વિરુદ્ધ કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે દરેક ઘટનામાં તેમનું નામ જોડવામાં ન આવે.
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બ્રિટિશ સામાન થશે સસ્તો