
દિલ્હીમાં હાલ PM મોદીના શબ્દોમાં કહીએ તો ત્રિપલ એન્જિનની સરકાર છે. કેન્દ્રમાં ભાજપ, દિલ્હી વિધાનસભામાં ભાજપ અને MCD માં પણ ભાજપ. દિલ્હી MCD ની ચૂંટણી વખતે એવા દાવા કરવામાં આવતા હતા કે ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સ અને લોકોને સારા રોડ રસ્તા મળશે. રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાનુ નિરાકરણ થઈ જશે અને દિલ્હીવાસીઓને પેરિસ જેવા રસ્તા મળશે. જો કે પેરિસ તો છોડો અહીં રોડની ગુણવત્તા બાબતે જ્યારે દિલ્હી સરકારના PWD વિભાગના મંત્રી પ્રવેશ વર્માને સવાલ કરવામાં આવે છે તો તેઓ જવાબ આપવાને બદલે સવાલ કરનારને જ આવેશમાં આવીને લાફો મારી દે છે.
દિલ્હી સરકારના PWD મંત્રી પ્રવેશ વર્મા પર એક યુવકને થપ્પડ મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના અંગે જ્યારે સવાલ કરનાર યુવકને પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે PWD વિભાગે અમને રોડની સ્થિતિ જોવા માટે બોલાવ્યા હતા. મે રોડ જોયો અને તેમને જણાવ્યુ કે રોડ નબળી ગુણવત્તાનો બન્યો છે અને કેવી રીતે ઉખડી રહ્યો છે. જ્યારે યુવકે મંત્રીને આ વાત જણાવી તો મંત્રી મહોદયથી સહન ન થયુ અને પ્રવેશ વર્માને આવેશ એટલો આવી ગયો કે યુવકને જ લાફો મારી દીધો.
સાહેબ સિંહ નામના યુવકે વધુમાં જણાવ્યુ ઘટના સમયે ત્યા પોલીસ પણ હાજર હતી. પ્રવેશ વર્માએ તેની માફી માગવી જોઈએ અને તેમના પર શિસ્તભંગ અનુસાર કાર્યવાહી થવી જોઈએ. યુવકે કહ્યુ કે અમે માત્ર દાવો નથી કરી રહ્યા અમારી પાસે પુરાવા સ્વરૂપે વીડિયો છે. અમે FIR નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરશુ.
પ્રવેશ વર્માએ કહ્યુ આમ આદમી પાર્ટી જે વીડિયો ચલાવી રહી છે તેની પાછળનું સત્ય પણ જાણી લો. વિકાસપુરી રિંગ રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી સડક નિર્માણનું કામ ચાલી રહ્યુ છે. ત્યાંના ધારાસભ્ય જરનેલસિંહ PWD વિભાગના એન્જિનિયરોને કહી રહ્યા છે કે અમારી કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરાવો અને અમને કમિશન અપાવો.
અમારા એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કમિશન ન મળતા જેવો રાત્રે રોડ બનીને તૈયાર થાય કે સવારે જઈને રોડને ઉખાડી નાખતા હતા અને કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી વીડિયો બનાવતા હત.
તેમણે કહ્યુ કે જરનૈલસિંહ ના એક કાર્યકર્તાએ જ્યારે મને પરિવાર વિશે અપશબ્દો બોલવાનું શરૂ કર્યુ ત્યારે કોઈપણ વ્યક્તિ એવા સમયે આવેશમાં આવીને જે કરે એ જ મે કર્યુ છે.
આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિય પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માનો રોડના કામમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો તો તે યુવાઓને સરેઆમ થપ્પડ મારી ગુંડાગીરી પર ઉતરી આવ્યા. આ તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે રોડ નિર્માણના કામમાં ભ્રષ્ટાચાર બતાવવા પર મંત્રી એ એક યુવકને જાહેરમાં થપ્પડ મારી.
આ ઘટના પર કોંગ્રેસે X પર લખ્યુ દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્માને એક યુવકે ખરાબ રોડ બાબતે સવાલ કર્યો તો મંત્રી તેના પર ભડકી ગયા અને ગુસ્સામાં આવી તેમણે યુવકને લાફો મારી દીધો. કોંગ્રેસે કહ્યુ ભાજપ યાદ રાખે જનતા કંઈ ભૂલતી નથી, તેમનો ઘમંડ તોડીને રહેશે.