
આમ આદમી પાર્ટી સરકારના મંત્રી આતિશીએ ફરી ભાજપ (BJP) પર પ્રહાર કર્યા છે અને મનીષ સિસોદિયા (Manish Sisodia) વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, ભાજપે આવા જુઠ્ઠાણું ફેલાવા બદલ માફી માંગવી જોઈએ. આતિશીનું કહેવું છે કે, ભાજપ મનીષ સિસોદિયાની સંપત્તિને લઈ જુઠ્ઠાણું ફેલાવી રહી છે. તેમણે કહ્યું કે, શુક્રવાર સાંજથી બીજેપી આપના નેતા મનીષ સિસોદિયા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહી છે. ભાજપના લોકોએ એવા સમાચાર ફેલાવ્યા કે EDએ કરોડોની સંપત્તિ જપ્ત કરી છે.
AAP ના મંત્રીએ જણાવ્યું કે, EDના આદેશ હેઠળ અલગ-અલગ લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં મનીષ સિસોદિયાની જે સંપત્તિ સામેલ છે તેમાં 5,07,000 ની કિંમતનો ફ્લેટ છે જે વર્ષ 2005માં ખરીદવામાં આવ્યો હતો. આ સિવાય મનીષ સિસોદિયાની પત્નીના નામે મયુર વિહારમાં એક ફ્લેટ છે જે વર્ષ 2018માં 60 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આતિશીએ કહ્યું કે, મનીષ સિસોદિયાનું એક જ બેંક ખાતું છે જેમાં તેમનો પગાર આવે છે. આ બેંક ખાતામાં માત્ર 11 લાખ રૂપિયા જમા હતા.
આતિશીએ કહ્યું કે, EDના આદેશ મુજબ મનીષ સિસોદિયાની કુલ 81,49,739 રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ભાજપ તેને કરોડોની સંપત્તિ કેવી રીતે ગણાવી રહ્યું છે. કરોડોની સંપત્તિ જપ્ત કરવાની વાત ભાજપનું કાવતરું છે. આતિશીએ વધુમાં કહ્યું કે, પીએમ મોદી અને ભાજપ મનીષ સિસોદિયાને બદનામ કરવા માંગે છે જેથી તેમના સારા કામ પાછળ થઈ જાય.
આ પણ વાંચો : Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી માર્ગ બંધ થયો, હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, જુઓ Video
આપના મંત્રીએ આરોપ લગાવ્યો કે, ભાજપ ED દ્વારા ડરાવવા માંગે છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ડરતા નથી. આતિશીએ કહ્યું કે, ભાજપ અને વડાપ્રધાન મોદીએ માફી માંગવી જોઈએ. આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ મામલે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો સિસોદિયા સામે કંઈ ન મળ્યું તો ઈડી દ્વારા તેમને બદનામ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો.